(istockphoto.com)

વિશ્વમાં સૌથી વધુ ફોરેક્સ રિઝર્વ ધરાવતા ટોચની દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે પહોંચ્યું છે. ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો રશિયા કરતાં વધી ગઈ છે.

ભારત પાસે હાલમાં દુનિયામાં ચોથા ક્રમે સૌથી વધુ વિદેશી હૂંડિયામણની અનામતો છે. કેટલાક મહિનાઓ સુધી ઝડપથી વધ્યા બાદ આ વર્ષે ભારત અને રશિયા બંનેની ફોરેક્સ રિઝર્વ સ્થિર રહી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં રશિયાની ફોરેક્સ રિઝર્વ વધુ ઝડપથી ઘટી હતી. તેનાથી ભારત રશિયાથી આગળ નીકળી ગયું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતની ફોરેન રિઝર્વ 5 માર્ચે 4.3 બિલિયન ડોલર ઘટીને 580.3 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે રશિયાની વિદેશી હૂંડિયામણની અનામતો 580.1 બિલિયન ડોલર રહી હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા પ્રમાણે દુનિયામાં સૌથી મોટું ફોરેન રિઝર્વ ચીન પાસે છે. આ યાદીમાં જાપાન બીજા અને સ્વિટ્ઝર્લેન્ડ ત્રીજા સ્થાને છે. ભારતનું ફોરેન રિઝર્વ 18 મહિનાની આયાત માટે પૂરતું છે. કરન્ટ અકાઉન્ટ સરપ્લસ, સ્થાનિક સ્ટોક માર્કેટમાં ઈનફ્લો અને વિદેશી સીધા રોકાણ (FDI)માં વધારાથી ભારતની અનામતોમાં વધારો થયો છે. એનાલિસ્ટોનું કહેવું છે કે, ફોરેન રિઝર્વ મજબૂત થવાથી વિદેશી રોકાણકારો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓને ભારતની આર્થિક સ્થિતિ પરના વિશ્વાસમાં વધારો થાય છે.