સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય બોલી રહ્યા છે. (PTI Photo)

રાજ્યસભામાં બુધવારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ 2020 (FCRA)ને ધ્વની મતથી મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ આ ખરડો લોકસભામાં પસાર થઇ ચૂક્યો હતો અને તે ફોરેન કન્ટ્રીબ્યુશન (રિગ્યુલેશન) એક્ટ 2010માં સુધારો કરે છે, જે વ્યક્તિઓ અને સંસ્થાઓના વિદેશી દાનના ઉપયોગ અને સ્વીકારનું નિયમન કરે છે. આ બિલ હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં આ બિલ રજૂ કરતાં જણાવ્યું હતું કે વિદેશી યોગદાન આપતા વ્યક્તિ કે સંસ્થાની ઓળખ સ્થાપિત કરવા માટે ભારતીય નાગરિકો માટે આધારકાર્ડ તથા વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ કે ઓસીઆઇ કાર્ડની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત કરતાં પહેલા સરકારે UIDAI અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી ((MEITY) સાથે વિચારવિમર્શ કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળના અનુભવમાંથી જાણવા મળ્યું છે કે ઘણી સંસ્થાઓ તેમની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરે છે. તેથી ઓળખ સ્થાપિત કરવા માટે આધાર કાર્ડની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પરની ચર્ચા દરમિયાન રાયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરિક સુરક્ષા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ વિદેશી ભારતના રાજકારણ અને સમાજ પર વિદેશી ફંડ્સ હાવી ન બની જાય. વિદેશી ફંડ્સ મેળવતી એનજીઓના કામકાજને આ ખરડાથી સીધી અસર થશે. તેમણે જણાવ્યું હતું કે એનજીઓના કામકાજને પારદર્શક બનાવવા માટે આ ખરડો લાવવો જરૂરી બની ગયું હતું.