કેનેડામાં રહેણાંક મિલકત ખરીદવા પર વિદેશીઓ પરનો પ્રતિબંધ રવિવાર, 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ મકાનની તંગીનો સામનો કરી રહેલા સ્થાનિકો લોકો માટે વધુ ઘરો ઉપલબ્ધ કરાવવાનો છે.
આ ધારામાં કેટલાક અપવાદો છે, જે મુજબ શરણાર્થીઓ અને નાગરિક નથી તેવા પર્મેનન્ટ રેસિડન્ટ્સને ઘર ખરીદવાની મંજૂરી મળે છે.
ડિસેમ્બરના અંતમાં, ઓટ્ટાવાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે પ્રતિબંધ ફક્ત શહેરના રહેઠાણોને લાગુ પડશે અને સમર કોટેજ જેવી મનોરંજનની મિલકતોને લાગુ પડશે નહીં. 2021ની ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આવા અસ્થાયી બે-વર્ષના પ્રતિબંધનું વચન આપ્યું હતું. મકાનોના વધતા જતાં ભાવને કારણે કેનેડાના નાગરિકો માટે ઘર ખરીદવાનું મુશ્કેલ બન્યું હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્રુડોની લિબરલ પાર્ટીએ તે સમયે તેના ચૂંટણી વચનમાં જણાવ્યું હતું કેનેડામાં ઘર ખરીદવાના ટ્રેન્ડને કારણે નફાખોરી થતી હતી તથા ધનિક કોર્પોરેશનો અને વિદેશી રોકાણકારો ઘર ખરીદતા હતા. આનાથી ઓછા ઉપયોગમાં લેવાતા અને ખાલી પડેલા મકાનો, જંગી સટ્ટાખોરી અને આભને આંબતા ભાવની સમસ્યા ઊભી થઈ હતી. ઘરો લોકો માટે છે, રોકાણકારો માટે નથી.
2021ની ચૂંટણીમાં જીત બાદ, લિબરલ્સે બિન-કેનેડિયન એક્ટ દ્વારા રહેણાંક મિલકતની ખરીદી પર પ્રતિબંધ ધારો રજૂ કર્યો હતો. વાનકુવર અને ટોરોન્ટોએ જેવા મુખ્ય બજારોમાં બિન-નિવાસી અને ખાલી ઘરો પર કર લાદવામાં આવ્યો છે.
કેનેડિયન રિયલ એસ્ટેટ એસોસિએશનના જણાવ્યા મુજબ, ઘરની સરેરાશ કિંમતો 2022ની શરૂઆતમાં $800,000 (US$590,000)ની ટોચથી ઘટીને ગયા મહિને માત્ર $630,000 (US$465,000) થઈ હતી. જોકે ઘણા નિષ્ણાતોએ કહ્યું છે કે વિદેશી ખરીદદારો પર પ્રતિબંધથી મકાનોને સસ્તાં કરવામાં મોટી અસર થશે નહીં, કારણ કે માત્ર પાંચ ટકા ઘરોની માલિકી વિદેશીઓ પાસે છે.