કોવિડ-૧૯ મહામારીના કારણે ભારત બહાર અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા અને પરત ફરે ત્યારે ક્વોરન્ટાઇન થવા માટે શું શું ખ્યાલ રાખવાનો રહેશે તેની ગાઇડલાઇન સામાન્ય વહીવટ વિભાગે આજે જારી કરી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ૧૦મી મેના રોજ પરત આવશે.
એરપોર્ટ ખાતે રિસીવ કરવા, ક્વોરન્ટાઇન કરવા વગેરેની સમગ્ર વ્યવસ્થા માટે રાજ્યકક્ષાએ બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ઉદ્યોગભવન, ગાંધીનગરના નિયામકને સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. બહારથી આવનારા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અંગેની વ્યવસ્થા માટે ડીડીઓ-અમદાવાદ, વિવિધ જિલ્લાના કલેક્ટર, નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામકે અને માર્ગ વાહનવ્યવહાર નિગમે એક એક નોડલ ઓફિસની નિમણૂક કરવાની રહેશે. અમદાવાદ એરપોર્ટ પર મેડિકલ સ્ક્રીનિંગ થશે.
કોરોનાના લક્ષણો અંગે પ્રાથમિક તપાસ થશે. જો લક્ષણો જણાય તો કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે. બાકીનાને ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં મુકાશે. સામૂહિક ક્વોરન્ટાઇન ફેસિલિટી સેન્ટર વિનામૂલ્યે રહેશે. જે પૈસા ચૂકવીને હોટેલમાં રહેવા માગતા હોય તેમને વિકલ્પ અપાશે.
કોઈપણ સંજોગોમાં ઘર અથવા અન્ય ખાનગી સ્થળોએ ક્વોરન્ટાઇન થવાની પરવાનગી અપાશે નહીં. આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન પ્રમાણે ૧૪ દિવસનો સમય પૂર્ણ કર્યેથી અને પછી ચકાસણીમાં કોઈ લક્ષણ ન દેખાય તો ઘરે જવા પરવાનગી મળશે.