ભારતે 15 ઓક્ટોબરથી વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું ચાલુ કરાશે. આ ઉપરાંત 15 નવેમ્બરથી રેગ્યુલર ફલાઈટ્સમાં આવતા વિદેશી પ્રવાસીઓને પણ ટુરિસ્ટ વિઝા આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે માર્ચ 2020થી વિઝા અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર મૂકવામાં આવેલા નિયંત્રણો વધુ હળવા થશે, કારણ કે હવે કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ અભિપ્રાયની વિચારણા કર્યા બાદ મંત્રાલયે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફત ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓને 15 ઓક્ટોબરથી નવા ટુરિસ્ટ વિઝા આપવાનો નિર્ણય કરાયો છે. જોકે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ સિવાયની ફ્લાઇટ મારફત ભારત આવતા વિદેશી પ્રવાસીઓને 15 નવેમ્બર 2021થી ટુરિસ્ટ વિઝા મળશે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતા કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલ્સ અને ધોરણો વિદેશી પ્રવાસીઓ, તેમને ભારતમાં લાવતી એરલાઇન્સ અને બીજા તમામ પક્ષકારોને ઉતરાણના સ્થળોએથી લાગુ પડશે.
કોરોના મહામારીને કારણે વિદેશીઓ માટેના તમામ પ્રકારના વિઝા ગયા વર્ષે સસ્પેન્ડ કરાયા હતા. કોરોનાનો ફેલાવો રોકવા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પર બીજા કેટલીક નિયંત્રણો પણ મુકેલા છે.
આ પછી કોરોનાની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને વિદેશી નાગરિકોને ટુરિસ્ટ વિઝા સિવાયના બીજા તમામ પ્રકારના વિઝાની મંજૂરી આપવામાં આવી હતી.
જોકે કેટલીક રાજ્ય સરકારો તથા ટુરિઝમ ક્ષેત્રના વિવિધ હિતધારકોએ ભારતમાં વિદેશી પ્રવાસીઓને મંજૂરી આપવા ટુરિસ્ટ વિઝા ફરી ચાલુ કરવાની ગૃહમંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. તેથી ગૃહમંત્રાલયે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, પ્રવાસન મંત્રાલય તથા વિવિધ રાજ્ય સરકારો સહિત તમામ મુખ્ય પક્ષકારો સાથે વિચારવિમર્શ કર્યો હતો અને તે પછી આ નિર્ણય કર્યો હતો.