યુરોપભરમાં કોરોનાવાયરસના ત્રીજા મોજાને પગલે કોરોનાવાયરસના વિવિધ સ્ટ્રેઇનથી દેશને બચાવવા માટે સરકારે સોમવારથી વિદેશમાં રજાઓ માણવા જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વાજબી કારણો વગર યુકે છોડનારી કોઈપણ વ્યક્તિને £5,000ના દંડની જાહેરાત કરાઈ છે. હાલના તબક્કે જુન માસના અંત સુધી વિદેશમાં રજાઓ ગાળવા પર પ્રતિબંધ રહેશે પરંતુ રજાના કેટલાક સ્થળો માટે આખા સમર દરમિયાન આ પ્રતિબંધો હટી શકે છે. જો કે ચેનલ આઇલેન્ડ્સ, આઇલ ઑફ મેન અને આયર્લેન્ડના સામાન્ય પ્રવાસે જતા લોકોને ટ્રાવેલ પ્રતિબંધ લાગુ પડશે નહિં.
તા. 23ને મંગળવારે લોકડાઉનની પહેલી વર્ષગાંઠ પ્રસંગે કેન્સર ચેરિટી મેરી ક્યુરી દ્વારા 110થી વધુ સંસ્થાઓના સમર્થનથી ‘રીફ્લેક્શન ડે’ દેશભરમાં મનાવાયો હતો. તેમાં દિવસનાં મધ્યમાં એક મિનિટનું મૌન, રાત્રે 8 વાગ્યે ઘરના દરવાજા પાસે વિજીલનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન બોરિસ જોન્સન, મહારાણી, પ્રિન્સ ચાર્લ્સ સહિત દેશભરના લોકોએ મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી. યુકે પ્રથમ વખત રાષ્ટ્રીય લોકડાઉનમાં ગયાના એક વર્ષ દરમિયાન દેશમાં મોટાપાયે ખાનાખરાબી સર્જાઇ હતી અને 126,172 લોકોના મોત નિપજ્યાં હતાં. બીજી તરફ આશાનું કિરણ એ પણ છે કે વિશ્વભરમાં કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રસી આપનારો યુકે પ્રથમ દેશ બન્યો હતો અને દેશની વસ્તીના 41.9 ટકા એટલે કે 29 મિલિયન લોકો રસી લઈ ચૂક્યા છે. તેને કારણે કોવિડ-19થી યુકેમાં દૈનિક મૃત્યુ ઘટીને સોમવાર તા. 22ના રોજ માત્ર 17 થઇ ગયા હતા જે તા. 28 સપ્ટેમ્બર 2020 પછીની સૌથી ઓછી સંખ્યા હતી. એક અઠવાડિયામાં યુકેમાં મૃત્યુના દરમાં 75 ટકાનો ઘટાડો થયો છે.
વિદેશ જવાના વ્યાજબી કારણોમાં નોકરી-ધંધો કે અભ્યાસ, કોઈના મૃત્યુ, અંતિમવિધિમાં ભાગ લેવા, લગ્ન કરવા અથવા નજીકના સંબંધીના લગ્નમાં ભાગ લેવા, તબીબી એપોઇન્ટમેન્ટ માટે, નુકસાનના જોખમથી બચવા, નજીકના મિત્રની મુલાકાત લેવા, કાયદાકીય જવાબદારીઓ માટે, મત આપવા, બાળ સંભાળ અથવા જન્મ સમયે હાજર રહેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘર ખરીદવા અથવા ભાડે લેવા, એસ્ટેટ એજન્ટ અથવા હોમ શોની મુલાકાત લેવા અથવા ઘર બદલવા માટે વિદેશ જઈ શકે છે.
આ માટેનો કાયદો સોમવાર તા. 22ના રોજ હાઉસ ઓફ કૉમન્સમાં મૂકવામાં આવ્યો હતો. આ અગાઉ દેશ છોડવાનું કારણ ધરાવતું જાહેરાત ફોર્મ ન ભરવા માટે £200 દંડની જોગવાઇ હતી.
લેબર નેતા કેર સ્ટાર્મરે સરકારના કાયદાના વિસ્તરણને તેમની પાર્ટીનુ સમર્થન આપ્યું છે. તેમણે એલબીસી રેડિયોને કહ્યું હતું કે ‘અમે નિયમો જોઈશું, પરંતુ અમે આ નિયમોમાં સરકારને સમર્થન આપ્યું છે. અમે રોગચાળાથી બહાર નથી, રસી અપાઇ રહી છે, અને તે સંજોગોમાં, મને લાગે છે કે સરકારને આ સત્તાઓની જરૂર છે.’’ £5,000ના દંડની ધમકી જૂનના અંત સુધી વધારી દેવામાં આવી છે, જેથી યુરોપમાં કોરોનાવાયરસના ત્રીજા તરંગથી બચી શકાય. આમ યુરોપના કેટલાક દેશોમાં સમર હોલીડેઝ કરવાનું મુશ્કેલ બનશે. સરકાર ફ્રાન્સને આ અઠવાડિયાના અંત સુધીમાં હોટલ ક્વોરેન્ટાઇન માટે આવશ્યક એવા દેશોના ‘રેડ લીસ્ટ’માં ઉમેરે તેવી સંભાવના છે. ફ્રાન્સ રેડ લિસ્ટમાં જશે તો ત્યાંથી પરત ફરતા બ્રિટીશ નાગરિકોએ પોતાના ખર્ચે માન્ય હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડશે અને બિન બ્રિટીશ મુસાફરો તો યુકે આવી જ નહિં શકે.
સીધી ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવશે. જો કે વેપારને સુરક્ષિત રાખવા માટે હૉલીઅર્સને છૂટ આપવામાં આવશે. હાલમાં આખુ દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને કતાર સહિતના પાંત્રીસ દેશો રેડ લિસ્ટમાં છે. જો કે પોર્ટુગલને ગયા અઠવાડિયે તેમાંથી દૂર કરવામાં આવ્યું હતું. સરકાર ‘ટ્રાફિક લાઇટ’ સિસ્ટમ જેવી યોજના વિષે વિચારી રહી છે જેમાં ‘ગ્રીન લિસ્ટ’ દેશોની મુસાફરીને મંજૂરી આપવામાં આવશે અને મુસાફરે પરત આવીને ક્વોરેન્ટાઇન પણ કરવું નહિં પડે. ચેનલ પરના દેશોમાં દક્ષિણ આફ્રિકાના કોવિડ વેરિઅન્ટના કેસોમાં ઉછાળાને કારણે આરોગ્ય અધિકારીઓ ચિંતા કરી રહ્યા છે. એક વરિષ્ઠ મંત્રીએ તો સૂચન પણ કર્યું છે કે વેક્સીનેશનના અભાવે આખા યુરોપને રેડ લિસ્ટમાં મૂકી શકાય છે. આ બધું જોતાં ઓગસ્ટ સુધીમાં ક્વોરેન્ટાઇન મુક્ત વિદેશ યાત્રાની આશાઓ શક્ય બને તેમ લાગતું નથી.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સના નેતૃત્વ હેઠળનું ટાસ્કફોર્સ 12 એપ્રિલ સુધીમાં જાણ કરશે કે બિન-આવશ્યક મુસાફરી પરનો પ્રતિબંધ કેવી રીતે અને ક્યારે હટાવી શકાય તેમ છે. જો કે વડા પ્રધાનના સત્તાવાર રોડમેપ હેઠળ તે 17 મે પહેલા હટાવાય તેમ લાગતું નથી. તેનો અર્થ એ કે ઓછામાં ઓછુ ઓગસ્ટ સુધી વિદેશી પ્રવાસથી પરત થનાર લોકોએ ક્વોરેન્ટાઇન કરવું પડશે.
ટોરી સાંસદોની કમિટી-1922ના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રાડીએ જણાવ્યું હતું કે પ્રવાસ પર પ્રતિબંધ લંબાવવવાનું પર્યટનમાં કાર્યરત લાખો લોકો માટે વિનાશક બની રહેશે. કેર મિનિસ્ટર હેલેન વ્હેટલીએ સત્તાવાર ચેતવણી દોહરાવતા જણાવ્યું હું કે ‘’વિદેશ પ્રવાસનું બુકિંગ કરાવવું વહેલું હશે. પરંતુ ટોચનાં વૈજ્ઞાનિકોએ ગઈકાલે આ ઉનાળામાં વિદેશી રજાઓને મંજૂરી આપવા માટે સમર્થન કર્યું હતું.
ગવર્નમેન્ટ સાયન્ટિફિક એડવાઇઝરી ગૃપ – નેર્વાટેગના સભ્ય પ્રોફેસર રોબર્ટ ડિંગવાલે જણાવ્યું હતું કે ‘’એપ્રિલના અંત કે મે માસના પ્રારંભ સુધીમાં 50 કરતાં વધુ વયના લોકો અથવા સંવેદનશીલ લોકોને વેક્સીનના 2 રાઉન્ડ આપી દેવાય અને રસીની અસર માટે તેમાં થોડા અઠવાડિયાનો સમય ઉમેરો તો મે માસના અંતે મુસાફરી પરના પ્રતિબંધને લંબાવવા માટે કોઈ કેસ નહીં હોય.’’