ભારતના ગૃહ મંત્રાલયે 23 ઓક્ટોબરે સોનિયા ગાંધીની અધ્યક્ષતા ધરાવતા બે NGOના ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કર્યા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, કાયદાના ઉલ્લંઘનના આરોપસર રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (આરજીસીટી) પર કાર્યવાહી હાથ ધરાઈ છે. આરજીએફ અને આરજીસીટીનું સંચાલન એક જ મકાન ‘જવાહર ભવન’માંથી થાય છે. આ બંને એનજીઓ સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયેલા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “બે NGOs રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સામેની તપાસ પછી તેમના લાઇસન્સ રદ કરાયા છે.” તપાસ અધિકારીઓએ સૂચિત NGOsના આવકવેરા રિટર્ન ફાઇલિંગમાં દસ્વાવેજોનો ગોટાળો, ભંડોળનો દુરુપયોગ અને ચીન સહિત વિદેશમાંથી પ્રાપ્ત ભંડોળમાં મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફ અને આરજીસીટીના ચેરપર્સન છે.
આરજીએફના ટ્રસ્ટીઓમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ, ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડરા, મોન્ટેક સિંઘ આહલુવાલિયા, સુમન દુબે અને અશોક ગાંગુલીનો સમાવેશ થાય છે. જ્યારે આરજીસીટીના ટ્રસ્ટીઓમાં રાહુલ ગાંધી, અશોક ગાંગુલી, બંસી મહેતા અને દીપ જોશી સામેલ છે.
એનજીઓની વેબસાઇટ અનુસાર તેણે શૈક્ષણિક ક્ષેત્રે પણ કામ કર્યું છે. આરજીસીટીની સ્થાપના ૨૦૦૨માં કરવામાં આવી હતી. જેનો હેતુ દેશના વંચિતો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ગરીબોના વિકાસની જરૂરિયાતને પૂરી કરવાનો હતો. આરજીસીટીની વેબસાઇટ અનુસાર અત્યારે આ એનજીઓ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં વિકાસની બે યોજના ચલાવે છે. જેમાં તે રાજીવ ગાંધી મહિલા વિકાસ પરિયોજના અને ઇંદિરા ગાંધી આઇ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું સંચાલન કરે છે.