વિદેશથી યુકે આવનારા લોકો માટે ફ્લાઇટમાં બેસવાના 72 કલાક પહેલા કોવિડ નેગેટીવ ટેસ્ટનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે અને યુકે આવ્યા પછી અગાઉથી અમલી નિયમો મુજબ કૉરેન્ટાઇન થવાનું રહેશે. આવા જ નવા પ્રતિબંધો આગામી સપ્તાહની શરૂઆતથી વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ દ્વારા રજૂ થવાની ધારણા છે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી, ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે મુસાફરી પહેલા ટેસ્ટીંગ એ “શસ્ત્રાગારમાંનું ઉપયોગી સાધન” રહેશે. આ જાહેરાતથી ટ્રાવેલ ઉદ્યોગને મોટો ફાયદો થશે જેમણે કૉરેન્ટાઇનના બદલે ટેસ્ટીંગની વારંવાર માંગ કરી છે. અન્ય દેશોમાં પણ આવા જ પગલા લેવામાં આવ્યા છે. વિશ્વભરની એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (EATA)એ કહ્યું હતું કે તાજેતરના પગલાથી ફક્ત “મુસાફરીમાં આગળનો અવરોધ” સર્જાય છે. યુકેના સૌથી વ્યસ્ત હવાઇમથક, હિથ્રોના વડાએ ચેતવણી આપી હતી કે વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ ટેસ્ટીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે યુકેમાં મુસાફરોને “વાસ્તવિક પડકાર”નો સામનો કરવો પડ્યો છે.
આવતા ગુરૂવારથી રજૂ થનારા આ પ્રતિબંધોથી મુસાફરોએ ત્રણ દિવસ પહેલાં ટેસ્ટ કરાવવો પડશે. તમામ એરલાઇન્સ, ફેરી ઓપરેટરો અને ક્રોસ ચેનલ રેલ સેવાઓએ નેગેટીવ ટેસ્ટીંગના પુરાવાની તપાસ કરવી પડશે અને નેગેટીવ ટેસ્ટીંગ વગરના આવનાર મુસાફરોને રોકવા પડશે. નેગેટીવ ટેસ્ટીંગ વગર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ આવનારા મુસાફરો પાસેથી સ્થળ પર જ £500નો દંડ કરાશે.
હાલમાં આશરે 100,000 બ્રિટીશ લોકો વિદેશમાં છે, જેમાં ઘણા દુબઇ, કેરેબિયન ટાપુઓ અને માલદીવમાં રજા પર ગયા છે. જેઓ આ પગલાને કારણે પરત આવવા માટે ધસારો શરૂ કરશે અને ત્યાં ટેસ્ટીંગની સવલત ન હોવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
11 વર્ષથી ઓછી વયના બાળકો અને હૌલીઅર્સે ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં તેમજ ટેસ્ટીંગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગરના દેશોમાંથી મુસાફરી કરનારા લોકોને મુક્તિ અપાઇ છે. આવતા અઠવાડિયે આ દેશોની યાદી આપવામાં આવશે. “ઉચ્ચ જોખમ ધરાવતા” દેશોમાંથી આવનાર લોકોએ દસ-દિવસ કૉરેન્ટાઇનમાં રહેવાનું રહેશે. જેમાં મોટાભાગના યુરોપનો સમાવેશ થાય છે. નેગેટીવ ટેસ્ટ ધરાવતા લોકો માટે આ સમયગાળો પાંચ દિવસનો હોઈ શકે છે.
નવા સ્ટ્રેઇનને કારણે સરકારે દક્ષિણ આફ્રિકાથી આવતી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં 11 અન્ય દેશોમાં પ્રતિબંધ લંબાવવામાં આવશે. તેમાં સેશેલ્સ, મોરેશિયસ, નામીબીઆ, બોત્સ્વાના, ઝામ્બીઆ અને માલાવીનો સમાવેશ થશે. બીજી તરફ આ અઠવાડિયે લાદવામાં આવેલા લોકડાઉનના ભાગ રૂપે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં રહેતા લોકો પર બિનજરૂરી કારણોસર વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ કરાયો છે.
આશરે 230 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આ અઠવાડિયે બુધવારે યુકેના છ સૌથી વ્યસ્ત હવાઇમથકો પર ઉતરી હતી. જેમાં યુ.એસ.થી 26 આવી હતી જ્યાં કોવિડ-19ના સૌથી વધુ મોત થયા છે.
લંડનના મેયર સાદિક ખાને સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય રેલ ટર્મિનલ્સ પર નિયમના પાલન માટે કાર્યવાહીની જરૂર છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે રોગચાળાના પ્રથમ તરંગ દરમિયાન યુકેમાં કોરોનાવાયરસના 1000થી વધુ કેસ નોંધાયા હતા. સૌથી વધુ ટ્રાન્સમિશન ચેન સ્પેનથી આવી છે, જેનો હિસ્સો 33 ટકા, ત્યારબાદ ફ્રાન્સ 29 ટકા અને ઇટાલીનો દર 12 ટકા હતો. જે કુલ 74 ટકા જેટલો હતો.
આ રીસર્ચના સહ-લેખક ઓલિવર પાયબસે જણાવ્યું હતું કે “કોવિડ-19નો યુકેમાં ક્યાં અને ક્યારે પ્રસાર થયો તે જોઈને આપણે સમજી શકીએ છઈએ કે જો અગાઉ મુસાફરી અને કૉરેન્ટાઇન નિયમો લવાયા હોત તો યુકેના પ્રથમ ચરણમા ચેપની ગતિ અને તીવ્રતા ઘટાડવામાં મદદ મળી શકી હોત.” કહેવાતી “ટ્રાવેલ કોરિડોર” સિસ્ટમ હજી પણ સ્થાને રહેશે. યુરોપ અને અમેરિકાના મોટાભાગના દેશો સહિત, વિશ્વભરમાં ઓછામાં ઓછા 130 દેશો ઉચ્ચ જોખમવાળી શ્રેણીમાં છે. હાલમાં, 30થી વધુ જૂથોના લોકો, જેમાં રાજદ્વારીઓ, કેટલાક સંરક્ષણ કર્મચારીઓ, રમતવીરો અને આરોગ્ય કાર્યકરોને દસ દિવસના કૉરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે સમાવેશ થાય છે.