દુનિયાભરના લોકોમાં કોરોનાવાયરસના કારણે કઇ રીતે જીવ બચાવવો તેની ચિંતા છે ત્યારે બ્રિટનના કેટલાક સાઉથ એશિયન પરિવારના 14 વર્ષથી નીચેના બાળકોને એક અલગ જ પ્રકારની ચિંતા સતાવી રહી છે. એમને ચિંતા છે કે તેમની શાળાઓ બંધ છે ત્યારે રખેને તેમના મા-બાપ તેમની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીપૂર્વક તેમના લગ્ન તો કરાવી નહિં દે ને! પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવાશે તેવા ભયનો સામનો કરતા બાળકો એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોલીસનો સંપર્ક કરી રહ્યાં છે. આવા ફોર્સ મેરેજનો ભોગ બનેલા લોકોની સહાય કરવામાં નિષ્ણાત અગ્રણી ચેરિટીના કહેવા મુજબ સરકારે વાયરસ નિયંત્રણ માટે લાદેલા પગલાંનું આ એક અનિચ્છનીય પરિણામ છે.
ફ્રીડમ ચેરિટીના સ્થાપક, અનીતા પ્રેમે ‘ગરવી ગુજરાત’ને એક્સક્લુસીવ મુલાકાતમાં જણાવ્યું હતું કે “પ્રથમ વખત એવુ બની રહ્યું છે કે મુખ્યત્વે યુવાન છોકરીઓ તેમના પરિવારો અને ખાસ કરીને પિતા સાથે વધુ સમય રહી છે. સામાન્ય રીતે પિતા કામ પર હોય છે, પરંતુ લોકડાઉનના કારણે ઘરે હોવાથી તેમના મનમાં દિકરીઓના લગ્ન કરાવવાનો અને તેમાં પણ બળજબરીથી લગ્ન કરવવાનો વિચાર વધુ પ્રબળ બન્યો છે.”
ચેરિટી અને સરકારના ફોર્સ મેરેજ યુનિટે 2012માં એક મોબાઇલ એપ્લિકેશન શરૂ કર્યુ હતું જેને અઢી લાખ લોકોએ તેમના ફોન્સ, આઇ-પેડ અથવા કમ્પ્યુટર પર ડાઉનલોડ કર્યુ હતું. એ એપ્લિકેશન દ્વારા બાળકો પોલીસનો તુરંત જ સંપર્ક કરી શકતા હતા.
પ્રેમે કહ્યું હતું કે “લૉકડાઉન દરમિયાન મદદ માંગતા કૉલ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તે મુખ્યત્વે એપ્લિકેશન દ્વારા. કારણ કે તેઓ આવા સંજોગોમાં ફોન ઉપાડી શકતા નથી. આ કૉલ્સ તો હિમશીલાની ટોચ સમાન છે. અમારો એવી છોકરીઓએ સંપર્ક કર્યો છે જેમને બહાર કસરત કરવા જવાની પણ મંજૂરી નથી. કેટલાક કૉલ્સ તો તેમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી હોય ત્યારે મળ્યા છે જેમાં તેઓ એક જ વાક્ય કહે છે કે મને હમણાં જ બહાર કાઢો.’’
અન્ય નેશનલ ચેરિટી ‘કર્મ નિર્વાણ’ને તા. 16 માર્ચથી 24 એપ્રિલ સુધીના છ-અઠવાડિયાના સમયગાળામાં મળેલા કોલ્સમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લૉક ડાઉન દરમિયાન તેમની વેબસાઇટ દ્વારા 47 નવા પીડિતોએ બળજબરીથી કરાતા લગ્ન બાબતે તેનો સંપર્ક કર્યો છે.
શ્રીમતી પ્રેમે કહ્યું હતું કે ‘’સામાન્ય રીતે જીસીએસઇ અને એ લેવલની પરીક્ષાઓ પછી કૉલ આવે છે, પરંતુ આ વર્ષે પરિક્ષાઓ થવાની નથી તેથી છોકરીઓને લગ્ન માટે દબાણ કરવામાં આવે છે અને છોકરાઓને મહત્વપૂર્ણ પરીક્ષાઓ પછી. શક્ય છે કે લૉકડાઉન ઉઠાવ્યા બાદ બાળકોના લગ્નો કરાવી દેવાશે. આ લગ્નો સોશિયલ મીડિયા અથવા સ્કાઇપ દ્વારા થઈ શકે છે, પરંતુ અત્યારે અમારી પાસે આવા લગ્નોના કોઈ અહેવાલ નથી. ચિંતાજનક વાત એ છે કે, હવે માતાપિતા જ નહિં ભાઇઓ પણ લગ્ન માટે દબાણ કરે છે. પહેલા હતું કે માતા-પિતાની પેઢી પછી આવું નહિ બને પરંતુ હવે ભાઈઓ તેમનો અધિકાર જમાવવાની કોશીષ કરી રહ્યા છે.”
ઝાયેદા, (સાચું નામ નથી) 14 વર્ષની હતી ત્યારથી કપડા પહેરવા બાબતે તેના પિતા માનસિક અને શારીરિક શોષણ કરતા હતા. આખરે તેના પરિવારજનોએ તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવા પ્રયાસ કરતા તે ભાગી ગઈ હતી. તેને એક સંતાન થયા બાદ એક દિવસ તેના પરિવારે તેને શોધી કાઢી હતી. તેના પિતા તેને ઘરે આવ્યા હતા અને તેના પુત્રની હાજરીમાં ઝાયેદા પર હુમલો કરી દીધો હતો. આજે 22 વર્ષીય ઝાયેદાએ તેના પિતાને ઘર બહાર જવા કહ્યુ હતું પરંતુ તેમણે ઝાયેદાને માર મારતા તેને ફાયરપ્લેસ વાગતા ઇજા થઇ હતી. ઝાયેદાએ પુત્રને લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનામાં ઉઠવાની પણ તાકાત નહતી. તેના ભાઇએ પણ ‘તારા પર શરમ આવે છે, તું ગંદી સ્લેગ છે’ વગેરે ગંદી ગાળો ભાંડી હતી.”
રોગચાળા દરમિયાન, ઝાયેદાએ એક ચેરિટીનો સંપર્ક કર્યો હતો જે તેની મદદ કરી રહી છે. પરંતુ તેણીએ પોલીસ જે રીતે તેનો કેસ સંભાળી રહી છે તે જોતા તેની ટીકા કરી હતી. ઝાયેદાએ જણાવ્યું હતુ કે “હું પોલીસથી ખૂબ નારાજ છું. મારા પપ્પા હજી પણ મને ધમકાવે છે. પોલીસે તપાસ કરવી જોઇએ અને મને અપડેટ કરવી જોઇએ. પોલીસે સોશ્યલ વર્કરને રેફરન્સ આપ્યો અને હવે તે કહે છે કે મારા પુત્રને નુકસાન થવાનું જોખમ છે અને તે મારી ભૂલ હતી. મને ખૂબ ડર છે કે તેઓ મારા પુત્રને મારી પાસેથી લઈ જશે.’’
ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના છેલ્લા આંકડા મુજબ 2018-19માં 72 લોકો પર કહેવાતા ‘ઓનર બેઝ્ડ’ એબ્યુઝ માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને 41 લોકોને દોષીત ઠેરવવામાં આવ્યા હતા. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના આંકડા મુજબ એન્ટી સોશ્યલ બિહેવીયર સેક્શન 121, ક્રાઇમ એન્ડ પોલીસીંગ એક્ટ 2014 અને ફોર્સ મેરેજ પ્રોટેક્શન ઓર્ડરની સેક્શન 121ના ભંગ બદલ પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓ સામે કેસ કરાયો હતો જેમાંથી ત્રણને દોષીત ઠેરવવામાં આવ્યા હતા.
હોમ ઓફિસના પ્રવક્તાએ ઇસ્ટર્ન આઇને કહ્યું હતુ કે “ફોર્સ મેરેજ એક વિનાશક અપરાધ છે અને સરકાર કહેવાતા તમામ કહેવાતા ઓનર-બેઝ્ડ એબ્યુઝને દૂર કરવા કટિબદ્ધ છે. હોમ ઑફિસ અને ફોરેન ઑફિસના સંયુક્ત ફોર્સ્ડ મેરેજ યુનિટ પીડિતો અને સંભવિત પીડિતોને સલાહ અને સહાય આપવાનું ચાલુ રાખે છે.”
ફ્રીડમ ચેરિટી હવે સ્વયંસેવકો પર આધાર રાખે છે કારણ કે તેને એક વર્ષથી ભંડોળ આપવામાં આવ્યું નથી. અનીતા પ્રેમે કહ્યું હતું કે ‘’અમને એપ્લિકેશનને અપડેટ કરવા માટે ફંડની જરૂર છે જેથી અમે નવીનતમ COVID સલાહ આપી શકીએ. જો કોઈ વ્યક્તિ એપ્લિકેશનને અપડેટ કરી શકે તો અમને તેમની સહાયની જરૂર છે. અમને આ સમય દરમ્યાન સહાય અને સપોર્ટની જરૂર છે. જો કોઇ વોલંટીયર તરીકે અમને સેવા આપવા તત્પર થશે તો અમને ખરેખર મદદરૂપ થશે.”