લોકસભામાં પહેલી એપ્રિલથી શરૂ થઇ રહેલા નાણાકીય વર્ષ માટે આશરે રૂ. 45 લાખ કરોડના ખર્ચને આવરી લેતાં કેન્દ્રીય બજેટને કોઇ પણ ચર્ચા વગર મંજૂરી મળી છે. જોકે વિરોધ પક્ષ અને સત્તારૂઢ પક્ષોના હોબાળા વચ્ચે ગુરુવારે પણ સંસદના બન્ને ગૃહોની કામગીરી શક્ય બની નહોતી. કોંગ્રેસે અદાણી જૂથમાં આક્ષેપોમાં જેપીસી તપાસની માગણી મુદે સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
સંસદના નીચલા ગૃહમાં ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ એન્ડ એપ્રોપ્રિએશન બિલ્સનો મુદો ઉઠ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિરોધ પક્ષના કટ મોશન કે સરકારી ખર્ચની યોજનામાં સુધારાને રજૂ કર્યા હતા. જોકે તે મૌખિક મતદાનથી નકારી દેવાયા હતા. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 2023-24 માટેની ડિમાન્ડ્સ અને ગ્રાન્ટ્સ અને સંબંધિત બિલોને ચર્ચા અને વોટિંગ માટે રજૂ કર્યા હતા. વિરોધ પક્ષોના સાંસદો સૂત્રોચ્ચાર કરતાં વેલમાં ધસી ગયા હોવાથી માગણીઓ પસાર થઇ હતી. વર્ષ 2023-24 માટેનું બજેટ પસાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ સમગ્ર કવાયત માત્ર 12 મિનિટમાં પૂરી થઇ હતી. બજેટ સેશન છ એપ્રિલે પૂર્ણ થવાનું છે. એવી અટકળો પણ છે કે સેશનનો ગાળો ટૂંકાવી શકાય છે.