અમદાવાદ સહિતના સમગ્ર ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવાર, 23મેએ સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું નોંધાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 23-24 મે દરમિયાન શહેરમાં ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો. આ બંને દિવસે હીટવેવને કારણે તાપમાન 45 ડિગ્રીથી ઊંચે જવાની સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશન બાંધકામ કામદારોને બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આરામ આપવાનો પણ આદેશ જારી કર્યો હતો. અગાઉના ત્રણ દિવસ માટે ગરમીનો ઓરેન્જ એલર્ટ હતો.
અમદાવાદમાં બુધવારે તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મે મહિનામાં નોંધાયેલો આ નવમો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. શહેરમાં ટોચના 10 સૌથી ગરમ દિવસોમાંથી પાંચ છેલ્લા 15 વર્ષમાં જ જોવા મળ્યા હતા.
ફક્ત અમદાવાદમાં જ આવી ભીષણ ગરમી નથી પડી રહી. મહુવામાં 41.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં 6.4 ડિગ્રી વધુ હતું. જ્યારે કેશોદમાં 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે 6.1 ડિગ્રી અને સુરતમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં 5.8 ડિગ્રી વધારે હતું.
ગુજરાત માટે આગામી બે-ત્રણ દિવસ સુધી ઊંચા તાપમાનમાંથી કોઈ રાહત નથી. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત અને વલસાડમાં આગામી બે-ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે.