જો વિપક્ષો લોકસભાના સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતારશે, તો આ આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સ્પીકર પદની ચૂંટણી યોજાશે. આ અગાઉ લોકસભાના સ્પીકરને સર્વસંમતિથી જ ચૂંટવામાં આવ્યા છે. આઝાદી પછી યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી પછી ગણેશ વાસુદેવ માવળંકર અધ્યક્ષ(1952-1957) બન્યા હતા. હવે નવી લોકસભાની રચના થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જૂને લોકસભાના નવા અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતા છે. આ જાહેરાત 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલનારા 18મા લોકસભા સત્રના આરંભ સાથે જ કરાશે. લોકસભા ચૂંટણીમાં 240 બેઠક મેળવ્યા પછી ભાજપ સ્પીકર પદ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. સૂત્રોના કહેવા મુજબ, ભાજપ એનડીએ ગઠબંધનના સહયોગીઓને ઉપાધ્યક્ષ પદ આપી શકે છે. આ માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ સહયોગી પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ માટે ભાજપના સંભાવિત ઉમેદવારોમાં આંધ્રપ્રદેશના સાંસદ દગ્ગુબાટી પુરંદેશ્વરી અને અમલાપુરમથી પહેલીવાર ચૂંટાયેલા ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગીની સાથે વર્તમાન સ્પીરપ ઓમ બિરલાના નામ ચર્ચામાં છે.

વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનનો મત એવો છે કે ભાજપે લોકસભા સ્પીકર પદ એનડીએના સહયોગી જેડીયુ કે ટીડીપીને આપવું જોઈએ. જોકે, નીતીશકુમારની જેડીયુએ સ્પષ્ટ કહ્યું કે, ‘એ ભાજપના નિર્ણયનું સમર્થન કરશે.’ જ્યારે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીનું કહેવું છે કે ‘સત્તાધારી ગઠબંધનના સહયોગીઓએ સર્વસંમતિથી સ્પીકરના નામ પર નિર્ણય કરવો જોઈએ.’

ઈન્ડિયા ગઠબંધનના મહત્વના સહયોગી શિવસેના(યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ‘‘જો ટીડીપી લોકસભા સ્પીકર માટેની ચૂંટણીમાં ઉમેદવાર ઊભો રાખશે તો ઈન્ડિયા ગઠબંધનના તમામ સહયોગી ટીડીપી માટે સમર્થન સુનિશ્ચિત કરશે. રાઉતે એમ પણ કહ્યું કે, અમને અનુભવ છે કે ભાજપ એ લોકો સાથે વિશ્વાસઘાત કરે છે, જે તેમને સમર્થન(ટીડીપી, જેડીયુ, આરએલડી, એલજેપી) આપે છે.’’ મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસને એનડીએમાં તિરાડ પડવાની હજુ આશા છે, પરંતુ હમણાં એવા કોઈ સંકેત સાંપડી રહ્યા નથી.

LEAVE A REPLY