શ્રીલંકા વન-ડે વર્લ્ડકપમાં ક્વોલિફાય થઈ ગયું છે. ક્વોલિફાયર્સની સુપર સિક્સની મેચમાં ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવી શ્રીલંકા મુખ્ય ડ્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે, તો બે વખતનું વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આ વખતે મેઈન ડ્રોમાં પણ પહોંચી શક્યું નથી.
શ્રીલંકા સામેની મેચમાં પહેલા બેટિંગ કરતાં ઝિમ્બાબ્વે 32.2 ઓવર્સમાં ફક્ત 165 રન કરી શકી હતી. મહેશ તિક્ષ્ણાએ 25 રનમાં 4, મધુશંકાએ 3 તથા પથિરાણાએ બે વિકેટ લીધી હતી. સીન વિલિયમ્સે 56 તથા સિકંદર રઝાએ 31 રન કર્યા હતા.
જવાબમાં શ્રીલંકાએ 33.1 ઓવર્સમાં ફક્ત એક વિકેટે 169 કરી વિજયનો વાવટો ફરકાવ્યો હતો. પથુમ નિસાંકાએ અણનમ 101 રન કર્યા હતા.
તો શનિવારે સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવી વર્લ્ડ કપના મેઈન ડ્રોમાં પહોંચતું અટકાવી દીધું હતું. વર્લ્ડ કપના મેઈન ડ્રોમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ રમતી ના હોય તેવો આ પહેલો પ્રસંગ બની રહેશે.
સ્કોટલેન્ડે ટોસ વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. કેરેબિયન્સ 43.5 ઓવરમાં ફક્ત 181 રન કરી શક્યા હતા. સ્કોટલેન્ડ તરફથી બ્રેન્ડન મેકમુલેને ત્રણ વિકેટ ઝડપી હતી.
એ પછી, 182 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી સ્કોટલેન્ડની ટીમે 43.3 ઓવરમાં 3 વિકેટે 183 રન કરી વિજય હાંસલ કર્યો હતો. વિકેટકીપર મેથ્યુ ક્રોસે અણનમ 74 તથા મેકમુલને 69 કર્યા હતા. તેને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.