હોંગ કોંગમાં જ પોતાનું પ્રાદેશિક હેડ કવાર્ટર ધરાવતી અમેરિકન કંપનીઓની સંખ્ય કરતાં ચીની કંપનીઓની સંખ્યા 30 વર્ષમાં પહેલીવાર વધુ રહી છે.
આ વર્ષે 1લી જુનના રોજ હોંગ કોંગમાં પ્રાદેશિક હબ ધરાવતી અમેરિકન કંપનીઓની સંખ્યા 240ની હતી, જે એક વર્ષ અગાઉ 254 હતી. આ વર્ષની 240ની સંખ્યા 2002 પછીની સૌથી ઓછી છે. સેન્સસ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં દર્શાવાયું છે કે, હોંગ કોંગમાં ચીની કંપનીઓની સંખ્યા 1લી જુન, 2022ના રોજ 251ની હતી.
કોરોના સંબંધી આકરા નિયંત્રણો, ચીની રાષ્ટ્રીય સુરક્ષા કેમ્પેઈન તથા હોંગ કોંગના કથળી ગયેલા અર્થતંત્રના કારણે આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ હબ તરીકે હોંગ કોંગની ચમક, આકર્ષણ હવે ઝાંખા પડી રહ્યા છે.
આ તમામ પરિબળોના કારણે જ હોંગ કોંગના પ્રવાસનમાં પણ હજી ખાસ સુધારો થયો નથી. કોરોનાના રોગચાળાના નિયંત્રણો હળવા થયા પછી હોંગ કોંગ સ્થિત એરલાઈન કેથે પેસિફિકમાં પ્રવાસ કરતા પેસેન્જર્સની સંખ્યા કોરોના પહેલાના સમયની તુલનાએ હજી પણ ફક્ત 16 ટકા (સપ્ટેમ્બરના અંતે) નોંધાઈ છે. તેની તુલનાએ સિંગાપોર એરલાઈન્સ 2019ના સ્તરની તુલનાએ 73 ટકાએ પહોંચી ચૂકી છે. બ્રિટિશ એરવેઝ અને લુફથાન્સા જેવી અન્ય પ્રતિષ્ઠિત એરલાઈન્સ પણ લગભગ આ જ સ્તરે પહોંચી ચૂકી છે.