સુપરમાર્કેટ્સે જણાવ્યું હતું કે “પિંગડેમિક”ના કારણે કર્મચારીઓ કામથી દૂર થઈ રહ્યા હોવાથી કેટલાક ઉત્પાદનોના સપ્લાય પર અસર થઇ છે. સરકાર અન્ન સપ્લાયની સમસ્યાઓ અટકાવવા પ્રયાસ કરી રહે છે અને તે માટે ઇંગ્લેન્ડના સુપરમાર્કેટ્સના ડેપો કામદારો અને ખાદ્ય ઉત્પાદકોને ક્વોરેન્ટાઇન નિયમોમાંથી મુક્તિ મળશે. આ સુધારાથી 10,000 જેટલા સ્ટાફ યોજના માટે લાયક બને તેવી અપેક્ષા છે. પરંતુ સુપરમાર્કેટ કામદારોને તેમાં શામેલ કરાયા નથી.
એનએચએસ કોવિડ એપ દ્વારા 8 થી 15 જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સ વચ્ચે રેકોર્ડ 618,903 લોકોને સેલ્ફ આઇસોલેટ થવાનું કહેવામાં આવ્યું હતું. કેટલાક રિટેલરોએ જણાવ્યું હતું કે તેમને સ્ટોર્સ બંધ કરવો પડશે, પરંતુ સમસ્યા એટલી વ્યાપક નથી પરંતુ તેમણે ખોરાકની તંગીનો ભય વ્યક્ત કર્યો હતો.
મોટી સંખ્યામાં રિટેલ કર્મચારીઓ કોવિડ ચેપના કારણે સેલ્ફ આઇસોલેટ થતા કેટલાક સર-સામાનની અછત સર્જાતા આ પગલું લેવામાં આવ્યું છે. આઇસલેન્ડે આ પરિવર્તનનું સ્વાગત કર્યું છે પરંતુ કહ્યું કે તેનાથી સુપરમાર્કેટમાં સ્ટાફની અછતનો મુદ્દો હલ થશે નહીં. આઇસલેન્ડના બોસ રિચાર્ડ વૉકરે કહ્યું હતું કે “ફૂડ સપ્લાય ચેઇન ત્યારે જ અસરકારક બને છે જ્યારે ટીમો દરેક તબક્કે ટેકો આપવા માટે હાજર હોય છે. ઉત્પાદન અને લોજિસ્ટિક્સના મુદ્દાઓને ઠીક કરાય પણ શેલ્ફ પર સરસામાન મૂકવા કર્મચારીઓ ન હોય તેનો કોઈ અર્થ નથી.’’
આમ નવા ડેઇલી કોન્ટેક્ટ ટેસ્ટીંગના પગલાં શુક્રવારે 15 સુપરમાર્કેટ ડેપોથી શરૂ થશે અને આવતા અઠવાડિયે 150 ડેપોનો સમાવેશ કરાશે. પરંતુ તે સુપરમાર્કેટનાં કર્મચારીઓને લાગુ નહીં પડે. આમ એપ્લિકેશન દ્વારા કે એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા સંપર્ક કરાયેલા કામદારોએ રસી લીધી હશે કે નહિં પણ જો તેઓ નેગેટીવ ટેસ્ટીંગ કરશે તો કાર્ય ચાલુ રાખી શકશે. આ યોજના 16 ઓગસ્ટ સુધી ચાલશે. તે પછી ડબલ રસી લેનારા કે 18 વર્ષથી ઓછી વયના લોકો કોવિડ પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવશે તો પણ તેમને આઇસોલેટ થવું પડશે નહીં.
એન્વાયર્નમેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટાઇસે જણાવ્યું હતું કે ‘’દુકાનોના કર્મચારીઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, કેમ કે તેમનો સમાવેશ કરાય તો પછી હજારો જુદી જુદી દુકાનોના ઘણાં લોકો તેમાં આવી જાય અને અમે હજી પણ ટેસ્ટ, ટ્રેસ અને આઇસોલેટ સિસ્ટમ જાળવવા માંગીએ છીએ. જો કે સરકાર નીતિને સમીક્ષા હેઠળ રાખશે.”
ઇંગ્લેન્ડના કી ઉદ્યોગોના એસેન્શીયલ વર્કર્સ માટે સરકારે સેલ્ફ આઇસોલેશનને બદલે અન્ય દૈનિક કોવિડ ટેસ્ટની યોજના રજૂ કરી છે. જેમાં સંપૂર્ણ રસી લીધી હશે તેવા કામદારોના ટેસ્ટ કરાશે. આ યોજનામાં ટ્રાન્સપોર્ટ, ઇમરજન્સી સેવાઓ, બોર્ડર કંટ્રોલ, ઉર્જા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેસ્ટ, જળ ઉદ્યોગ, એસેન્શીયલ ડિફેન્સ આઉટપુટ અને સ્થાનિક સરકાર સહિતના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રિટિશ ચેમ્બર્સ ઑફ કોમર્સના જોઇન્ટ-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, હેન્ના એસેક્સે જણાવ્યું હતું કે, ‘’આ જાહેરાતથી કેટલાક બિઝનેસીસને રાહત થશે. પરંતુ ઘણાં લોકોને આઇસોલેટ થવાનું કહેવાતું હોવાથી હજી પણ ઘણાં કર્મચારીઓની અછત છે અને વેપાર ગુમાવી રહ્યા છે.”
હેલ્થ સેક્રેટરી સાજીદ જાવિદે કહ્યું હતું કે ‘’ફૂડ ઉદ્યોગના કર્મચારીઓના ડેઇલી ટેસ્ટીંગમાં આવતા સપ્તાહમાં વધારો થવાથી કેસોને કારણે થતા વિક્ષેપમાં ઘટાડો થશે, પણ કામદારોને જોખમમાં મૂકવામાં ન આવે તેની ખાતરી કરશે.’’