રેકોર્ડ ફુગાવાના કારણે ખાદ્યપદાર્થો ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજવસ્તુઓના ભાવોમાં 40 વર્ષમાં પહેલી વખત સૌથી ઝડપી દરે વધારો થઇ રહ્યો છે. લોકોના પગારની સામે કિંમતો વધુ ઝડપથી વધી રહી છે. રોજિંદા ખાદ્યપદાર્થોના ભાવમાં 34 ટકા જેટલો વધારો થયો છે. ફુગાવો જે જૂનમાં 9.4% હતો તે વધીને જુલાઇમાં 10.1% ટકા પર પહોંચ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આગાહી કરી છે કે આ વર્ષે ફુગાવો વધીને 13% થઇ શકે છે. વધતી જતી મોંધવારીના કારણે રોજબરોજનો જીવન ખર્ચ ઘરગથ્થુ બજેટને ખાઈ રહ્યા છે. ફુગાવાને ડામવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સપ્ટેમ્બરમાં ફરીથી વ્યાજદરમાં વધારો કરશે તે લગભગ નિશ્ચિત જણાય છે.
ખાદ્યપદાર્થો, બ્રેડ અને અનાજના ભાવમાં વાર્ષિક 12.4%નો, દૂધ, ચીઝ અને ઈંડામાં 19.4%નો અને તેલ અને ફેટમાં 23.4% ઉપરનો ભાવ વધારો થયો છે. સામાન્ય ઘરેલુ એનર્જી બિલ – એટલે કે ગેસ અને વીજળીનું બિલ ઓક્ટોબરમાં £3,582 અને જાન્યુઆરીમાં £4,266 સુધી પહોંચવાની આગાહી છે.
એનર્જી, પેટ્રોલ અને ડીઝલના ખર્ચ ઉપરાંત ખોરાક, નોન-આલ્કોહોલિક પીણાં, બ્રેડ, અનાજ, દૂધ, ચીઝ, ઈંડા, શાકભાજી, માંસ, ચોકલેટ, ટોયલેટ રોલ્સ, પેટ ફૂડ, ટૂથબ્રશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં સૌથી ઝડપી વધારો થયો છે. દૂધના ભાવો લગભગ બમણા થઇ ગયા છે. હવાઈ ભાડાં અને આંતરરાષ્ટ્રીય રેલ ટિકિટો સાથે પૅકેજ હોલીડેમાં પણ વધારો થયો છે.
એનર્જી અને ચીજવસ્તુઓના ભાવોમાં થયેલા ભારે વધારાને કારણે રેસ્ટોરન્ટના બિલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ ભાવો વધારવામાં આવ્યા છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે સનફ્લાવર ઓઇલ અને ઘઉંની નિકાસ અટકી જતાં તકલીફની શરૂઆત થઇ હતી. સપ્લાયર્સ કાચા માલ અને ઈનપુટ ખર્ચમાં અભૂતપૂર્વ વધારો થયો હોવાથી ભાવ વધાર્યા હોવાનું જણાવે છે. જે ભાવ વધારો સુપરમાર્કેટ ગ્રાહકો પર લાદે છે.
જીવનનિર્વાહનો ખર્ચો કાઢવા વધુ લોકો લોન લઇ રહ્યા છે અને તેને કારણે ક્રેડિટ કાર્ડના ખર્ચમાં ત્રીજા ભાગનો વધારો થયો છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે યુકેમાં આ વર્ષના અંતમાં મંદી આવશે. 2022ના છેલ્લા ત્રણ મહિનામાં અર્થતંત્ર સંકોચાવાની શરૂઆત થશે અને 2023ના અંત સુધી તે સંકોચાવાનું અનુમાન છે.
જીવન નિર્વાહનો વધતો ખર્ચ નવા વડા પ્રધાન સામેના સૌથી મોટા પડકારોમાંનો એક હશે.
ભાવોમાં થયેલો વધારો
ચીજ-વસ્તુ | ટકા |
સ્કીમ્ડ મિલ્ક | 34 |
હોલ મિલ્ક | 28.1 |
ચીઝ | 17.9 |
ઇંડા | 14.6 |
ઓલિવ ઓઈલ | 23.6 |
જામ અને હની | 21.2 |
માખણ | 27.1 |
પાસ્તા અને કુસકુ | 24.4 |
ફ્રોજન વેજીટેબલ | 16.6 |
પૉલ્ટ્રી | 16.1 |
માછલી | 13.4 |
ક્રિસ્પસ | 13.4 |
ખોરાક અને નોન-આલ્કોહોલિક પીણાં | 12.7 |
મકાનોના ભાવોમાં ઘટાડાની શરૂઆત
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) એ જાહેર કર્યું હતું કે ખાધાખોરાકીના દર અને વ્યાજ દરમાં વધારો થવાને કારણે યુકેના મકાનોના ભાવોમાં વૃદ્ધિ ધીમી પડી હતી. જૂનમાં વાર્ષિક ધોરણે 7.8 ટકા ભાવો વધ્યા હતા. જે વધારો મે મહિનામાં 12.8 ટકા હતો.
ONS એ જણાવ્યું હતું કે જૂનમાં યુકેના ઘરની સરેરાશ કિંમત £286,000 હતી, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ £20,000નો વધારો દર્શાવે છે. ઈંગ્લેન્ડમાં, ઘરની સરેરાશ કિંમત વર્ષભરમાં 7.3 ટકા વધીને £305,000 થઈ હતી.
વેલ્સમાં, સરેરાશ કિંમતો 8.6 ટકા વધીને £213,000 થઈ, જ્યારે સ્કોટલેન્ડમાં કિંમતો 11.6 ટકા વધીને £192,000 થઈ, અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં તે 9.6 ટકા વધીને £169,000 થઈ હતી.
આશાનું કિરણ: સ્ટેટ પેન્શન £200થી ઉપર થશે
લાખો પેન્શનરોના પેન્શનમાં આ વર્ષે લગભગ £1,000ની વિક્રમજનક વૃદ્ધિ થઇ રહી છે. સ્ટેટ પેન્શન સપ્તાહમાં £200થી વધુ થનાર છે.
ટ્રિપલ લોક હેઠળ, સ્ટેટ પેન્શનમાં દર એપ્રિલમાં ફુગાવો, વેતન વૃદ્ધિ અથવા 2.5 ટકાના વધારા જેવા ત્રણ પગલાંના કારણે વધારો થાય છે. જો કે, આ પેન્શન વધારાના કારણે કરદાતાઓ પર અબજો પાઉન્ડનો બોજો આવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ એજે બેલના અંદાજ મુજબ આગામી બે વર્ષમાં કરદાતાઓ પર £24 બિલિયનનો બોજો આવી શકે છે.
જો કિંમતો ONS અનુમાન પ્રમાણે વધે છે, તો નવું સ્ટેટ પેન્શન £18.70 જેટલું વધીને £203.85 પ્રતિ સપ્તાહ થશે. તે £972.40 પ્રતિ વર્ષ વધશે. જેઓ બેઝીક સ્ટેટ પેન્શન પર હશે તેનું પેન્શન સપ્તાહમાં £14.35 અને એક વર્ષમાં £746.20 જેટલું વધશે.