પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
ઘણા લોકો એવું સ્વપ્ન જોતા હોય છે કે, તેમની પાસે સારું શિક્ષણ હોય, સારા પગારની નોકરી હોય, સુંદર ઘર હોય, મોટું બેંક બેલેન્સ હોય, બે બાળકો હોય અને વેકેશનમાં યુરોપનો વારંવાર પ્રવાસ કરીને બીચ અને સ્કિઇંગની મજા માણતા હોય. પરંતુ, આ સાચું સુખ નથી. જેમની પાસે આ તમામ સુખ-સુવિધા છે તેમને પૂછો કે, તમે ખરેખર ખુશ છો? તમને સામાન્ય રીતે ‘ના’ સાંભળવા મળશે. કારણ કે તેમણે આ ખુશી મેળવવા માટે ઘણી એવી સુવિધા છોડી છે જે વાસ્તવિક ખુશી આપે છે, જેમ કે, સક્રીય આધ્યાત્મિક જીવન, પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવો, પરમાર્થ માટે સેવા વગેરે.
એટલે કે, આર્થિક સમૃદ્ધિ હોવી તે અદભૂત નથી તેવું ન હોય. હા, તેનાથી તમને જીવનમાં ઘણી પસંદગીઓ કરવાની આઝાદી મળે છે. તે તમને તમારા બાળકોનો સારી રીતે ઉછેર કરવાની તક આપે છે. તેનાથી તમે અનુકૂળ જીવન જીવી શકો છો. તે તમને એવી ખાતરી આપે છે કે તમારા બાળકો અને તમારી નિવૃત્તિ માટે તમારું આર્થિક પાસું મજબૂત છે. પરંતુ, તે તમારા અથવા તમારા બાળકોના જીવનમાં વ્યાપક ખુશી અને સંપૂર્ણ સુખ-શાંતિ લાવશે એવું નથી.
નાણા કમાવવા સારી બાબત છે, સમૃદ્ધ બનવું પણ સારી બાબત છે. આપણા પુરાણોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામ બંને રાજા હતા અને તેઓ મહેલોમાં રહેતા હતા. જોકે, અહીં મુદ્દો એ છે કે, તે સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે મહત્ત્વનું છે. ભગવાન કૃષ્ણ જ્યાંના રાજા હતા, તે સોનાની દ્વારિકા હતી. આમ, લંકા પણ સોનાની હતી અને ત્યાં રાક્ષસોના રાજા- રાવણનું શાસન હતું. દ્વારિકા સ્વર્ગ અને લંકા નર્ક કેવી રીતે બની? ભગવાન શ્રી કૃષ્ણ શુદ્ધતા, નિર્મોહિ અને સમર્પણભર્યુ જીવન જીવ્યા. જ્યારે રાવણ લોભ, વાસના, મોહિત, સ્વંયને શક્તિમાન માનનારું જીવન જીવતો હતો. જ્યાં ભગવાન કૃષ્ણએ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તેમની સંપત્તિ અને તેમની શક્તિનો ઉપયોગ કર્યો, ત્યારે રાવણે ક્યારેય બીજાને મદદ કરવા માટે એક ચપટી સોનું પણ આપ્યું નહોતું.
ભગવાન કૃષ્ણના જીવનમાં વહેંચવાનો અને કાળજી લેવાનો ભાવ હતો. જ્યારે રાવણનું જીવન તેનાથી વિપરિત હતું, તેણે ન તો કોઇને કંઇ આપ્યું- ન વહેંચ્યુ, ન તો કોઇની દરકાર કરી.
દિવાલોમાં રહેલા સોનાથી સાચો મહેલ બને છે તેવું નથી. સાચું સોનું તો તે રાજા અને ત્યાં રહેતા લોકોના હૃદયમાં હોય છે. દિલમાં સોનું હોય તો ઘર બે રૂમ હોય કે બસો રૂમ હોય એ મહેલ જેવું હોય છે. પરંતુ જો પાષાણ હૃદયનો માનવી હોય તો ઘર ઝૂંપડપટ્ટી જ છે, પછી ભલે તેની દિવાલોમાં હીરા જડેલા હોય. હવે એવા લોકો તરફ જુઓ જેમને ખૂબ જ ધનવાન માનવામાં આવે છે. શું તમને તેમનામાં સુખ દેખાય છે? તમને ખુશી દેખાય છે? શું તમને સાચો સંતોષ જોવા મળે છે? ઘણું બધું જોવા નહીં મળે. બીજી તરફ, ઋષિઓને જુઓ, સાધુઓને જુઓ. તેમની પાસે શું છે? કંઈ નહીં. પરંતુ તેમની આંખોમાં ચમકતો પ્રકાશ જોવા મળે છે…