આકરા શિયાળાના કારણે 60,000 લોકોના મોત થઈ શકે તેવી શક્યતાના કારણે આરોગ્ય અધિકારીઓએ ફલૂની રસી લેવા લોકોને અપીલ કરી છે. ગયા વર્ષે ફલૂના કેટલાક કેસ નોંધાયા બાદ ડોક્ટરોએ ચેતવણી આપી હતી કે કોવિડ-19 વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું છે. તેમને ડર છે કે ઠંડુ હવામાન રોગના ટ્રાન્સમિશનની તરફેણ કરશે, જ્યારે અંધારી રાતો લોકોને નબળી હવાની અવરજવરવાળી જગ્યાઓ પર રહેવા દબાણ કરશે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે લોકો ફલૂના ખતરાને ઓછો અંદાજે છે.
આ વર્ષે વધારાના 5 મિલિયન લોકો ફલૂના રસીકરણ માટે લાયક બનશે. પ્રોગ્રામના ડાયરેક્ટરોને આશા છે કે ગયા શિયાળામાં નક્કી કરાયેલા રેકોર્ડ લેવલ આ વર્ષે પણ આંબી જશે. ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જોનાથન વેન-ટેમે કહ્યું હતું કે “આ શિયાળામાં ફલૂ ફેલાય તેવી શક્યતા છે. તે સામાન્ય કરતાં વધારે હોઈ શકે છે અને જાહેર આરોગ્યની નોંધપાત્ર ચિંતા ઉભી કરે છે. કોવિડ-19 હજી ફરતો રહેશે. દુર્ભાગ્યે પ્રથમ વખત કોવિડ-19 અને ફ્લૂ સાથે રહેશે. આપણે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે અને વાર્ષિક ફલૂ જેબ અને કોવિડ-19 બૂસ્ટર જેબ સાથે લઇને આપણી જાતને અને NHS ને બચાવવાની જરૂર છે. આ બંને વાઇરસ ગંભીર છે. તે બંને સરળતાથી ફેલાઈ શકે છે, લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે અને તે બંને જીવલેણ બની શકે છે.”
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડનું સંશોધન સૂચવે છે કે ફક્ત કોવિડ-19 રોગ ધરાવતા વ્યક્તિની તુલનામાં જે લોકોને ફલૂ અને કોવિડ-19 વારાફરતી થાય છે તેમના મૃત્યુની શક્યતા બમણા કરતા વધારે હોય છે. એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ દ્વારા તૈયાર કરાયેલ મોડેલિંગ સૂચવે છે કે આ શિયાળામાં ફલૂથી 60,000 બ્રિટિશરોના મોત નિપજી શકે છે, જે સામાન્ય વર્ષ કરતા લગભગ બમણા છે. ઈંગ્લેન્ડમાં વર્ષમાં ફલૂથી 11,000 લોકોના મોત થાય છે. એકેડેમીએ ચેતવણી આપી હતી કે અન્ય વાઇરસ જેવા કે રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ (આરએસવી) પરત આવે તેવી શક્યતા છે.
ગયા વર્ષે 65 વર્ષથી વધુ ઉંમરના 80.9 ટકા લોકોને ઇંગ્લેન્ડમાં અત્યાર સુધીના સૌથી સફળ રસી કાર્યક્રમમાં ફલૂની રસી અપાઇ હતી. અધિકારીઓને આશા છે કે આ વર્ષે તે સ્તરને વટાવી 65થી વધુ વયના 85 ટકા લોકોને અને ક્લિનિકલ જોખમમાં રહેલા 75 ટકા લોકોને રસીકરણ અપાશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “અમે નવા કોવિડ-19 બૂસ્ટર વેક્સીન રોલઆઉટ સાથે, આપણા ઇતિહાસનો સૌથી મોટો ફલૂ રસી કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. એનએચએસ પરનું દબાણ હળવું કરવામાં મદદ કરતી વખતે ફક્ત તમારી જાતને જ નહીં પણ તમારા પ્રિયજનોને પણ મહત્વપૂર્ણ સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે.