કેન્યાની રાજધાની નૈરોબીમાં બુધવારે ભારે વરસાદ સાથે વાવાઝોડાને કારણે આવેલા ફ્લેશ ફ્લડથી રસ્તાઓ વહેતી નદીઓમાં ફેરવાઈ ગયા હતાં અને ઘરો કમર-સમા પાણીમાં ગરકાવ થયા હતા. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં.
સ્થાનિક પોલીસ કમાન્ડર ફ્રેડ અબુગાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 10 મૃતદેહો મળ્યા છે અને હજુ કેટલાંક લોકો ગુમ છે. નૈરોબી કાઉન્ટીના ગવર્નરની ઑફિસ અનુસાર મહિલા અને બાળકો સહિત અંદાજિત 60,000 લોકો ગંભીર અસરગ્રસ્ત બન્યાં હતા.
પૂર્વ આફ્રિકાના આ દેશમાં તાજેતરના અઠવાડિયામાં અવિરત ધોધમાર વરસાદ પડ્યો હતો. અલ નીનો હવામાનની પેટર્નને કારણે મોસમી વરસાદમાં વધારો થયો છે. સમગ્ર નૈરોબીમાં વાહનો પૂરના પાણીમાં અટવાયા હતાં અને લોકોએ સુરક્ષિત સ્થળોએ પહોંચવા માટે પૂરના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
કેન્યાના હવામાન વિભાગે મે મહિના સુધી દેશના વિવિધ ભાગોમાં “ભારેથી અતિ ભારે” વરસાદની આગાહી કરી હતી.કેન્યા રેલ્વેએ ટ્રેન સેવાઓ સ્થગિત કરી રહી હતી. રાજધાનીના ચાર રોડ પણ આંશિક રીતે બંધ કરાયા હતાં. મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં શહેર લગભગ સ્થંભી ગયું હતું.