મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તેનાથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતને વધુ અસર થઈ હતી અને પાંચ જિલ્લામાં આશરે 10,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ અને ગોધરા શહેરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરુચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 40 ફૂટે પહોંચતા નદી કિનારાના વિસ્તારોમાં પૂરી જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ ભરૂચ, નર્મદા અને વડોદરાના કેટલાક ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોએ પૂરનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં નાગરિકોએ બહાર જવાનું ટાળ્યું હતું. સાંજ સુધીમાં, શહેરમાં વાવાઝોડું અને ક્યારેક ભારે વરસાદ પણ થયો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યા સુધી અમદાવાદમાં 84mm વરસાદ નોંધાયો હતો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાનો હવાઈ સર્વે કર્યો હતો. કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યો હતો અને મંગળવાર સવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતેએ ગુરુવાર સવાર સુધીની તેની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં નર્મદા જિલ્લાની આવાસીય શાળાના લગભગ 70 વિદ્યાર્થીઓ અને પંચમહાલ જિલ્લામાં એક નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના વસંતપા રા ગામની હોસ્પિટલમાં ફસાયેલા કેટલાક દર્દીઓને પણ NDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
દરમિયાન રવિવારે મધ્ય ગુજરાતમાં સતત ધોધમાર વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. ગોધરા અને રતલામ ડિવિઝન વચ્ચેના અપ ડાયરેક્શન ટ્રેક પર ભારે વરસાદને કારણે નવ જેટલી ટ્રેનો રદ કરવી પડી હતી, ચાર રિશિડ્યુલ અને 11 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ટ્રેનની અવરજવર સ્થગિત રહી હતી.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના મુદ્દે રાજકીય વિવાદ થયો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે ડેમના નીચેના ભાગમાં આવેલા કેટલાક ગામોમાં પૂર જેવી સ્થિતિ એટલા માટે છે કારણ કે રાજ્ય સરકારે વડા પ્રધાનના જન્મદિવસે પાણી છોડવાનો સમય નક્કી કર્યો હતો. નરેન્દ્ર મોદી રવિવારના જન્મદિવસ હતા. વડાપ્રધાન મોદીના જન્મદિનને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે પાંચ છ દિવસ સુધી ડેમથી પાણી છોડ્યું ન હતું અને પછી એકસાથે પાણી છોડ્યું હતું. તેથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી.