(Photo by /AFP via Getty Images)

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ (લિમિટેડ)એ શુક્રવારે, 23 ઓક્ટોબરે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે વોલમાર્ટની માલિકીના ફ્લિપકાર્ટ ગ્રૂપને પ્રેફરન્શિયલ ધોરણે 7.8 ટકા હિસ્સો વેચીને 1,500 કરોડ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

આદિત્ય બિરલા ફેશને નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે શેરદીઠ 205ના ભાવે આ હિસ્સો વેચવામાં આવશે. ફ્લિપકાર્ટના રોકાણને પગલે તેને 7.8 ટકા હિસ્સો મળશે. આદિત્ય બિરલા ફેશનના પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપ કંપનીઓ પાસે આશરે 55.13 ટકા હિસ્સો રહેશે.

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ભારતમાં વૃદ્ધિની સંભાવને પુષ્ટી આપે છે. ભારતની એપેરલ ઇન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષમાં 100 બિલિયન ડોલરની થવાનો અંદાજ છે.

વોલમાર્ટની માલિકીનું ફ્લિપકાર્ટ ગ્રૂપ અને વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટલનો હિસ્સો ખરીદવા માટે સ્પર્ધા હતી. આદિત્ય બિરલા ફેશન હાલમાં પેન્ટલૂન, એલન સોલી અને પીટર ઇંગ્લેન્ડ જેવી જાણીતી બ્રાન્ડ ધરાવે છે.
એમેઝોન પણ બિરલા ગ્રૂપના ફેશન બિઝનેસમાં રોકાણ કરવા મંત્રણા કરતી હતી, પરંતુ તેને સફળતા મળી નથી.

તાજેતરના વર્ષોમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન બંનેએ ફિઝિકલ રિટેલ એસેટ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. 2018માં એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમરા કેપિટલે બિરલા ગ્રૂપની સુપરમાર્કેટ ચેઇન મોરને હસ્તગત કરી હતી. અમેરિકાની આ રિટેલરે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચેઇન શોપર્સ સ્ટોપ એન્ડ ફ્યુચર કુપન્સમાં હિસ્સો ખરીદ્યો હતો. જુલાઈમાં ફ્લિપકાર્ટે અરવિંદ ફેશનની પેટાકંપની અરવિંદ યુથ બ્રાન્ડમાં 27 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ પેટાકંપની પાસે ફ્લાઇંગ મશીન નામની બ્રાન્ડ છે.