(istockphoto.com)

વોલમાર્ટ અમેરિકી શેરબજારમાં ફ્લિપકાર્ટનો આઈપીઓ લાવવા માટે સક્રિય બની છે. આ યોજના માટે કંપનીએ કન્સલટન્ટ તરીકે ગોલ્ડમેન સાક્સની નિમણૂક કરી છે. કંપની ફ્લિપકાર્ટના આઈપીઓ દ્વારા 10 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ આઇપીઓમાં વોલમાર્ટ તેની પાસે રહેલો ફ્લિપકાર્ટનો 25 ટકા હિસ્સો વેચશે. ફ્લિપકાર્ટની માર્કેટ વેલ્યુ 40 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. વોલમાર્ટે 2018માં 16 બિલિયન ડોલરમાં ફ્લિપકાર્ટ હસ્તગત કરી હતી અને ચાર વર્ષમાં લિસ્ટિંગ કરાવવાની જાહેરાત કરી હતી.

આ અંગે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે આઈપીઓ લાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ કોરોનાના મહામારીને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટનો 82.3 ટકા હિસ્સો વોલમાર્ટ પાસે છે, જ્યારે 5.21 ટકા હિસ્સો ચીનની કંપની ટેન્સેન્ટ પાસે છે. જ્યારે ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ પાસે 1.45 ટકા હિસ્સો છે. જો આઈપીઓ સફળ રહેશે તો કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશી બજારમાં કરાયેલું આ સૌથી મોટું લિસ્ટિંગ હશે.