વોલમાર્ટની માલિકીના ફ્લિપકાર્ટ ગ્રૂપે સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ જીઆઇસી, કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ, સોફ્ટબેન્ક વિઝન ફંડ-2 અને વોલમાર્ટ સહિતના રોકાણકારો પાસેથી આશરે રૂ.26,805.6 કરોડ (3.6 બિલિયન ડોલર) એકત્ર કર્યા છે. આ ટ્રાન્ઝેક્શનમાં ભારતની આ અગ્રણી ઇ-કોમર્સ કંપનીનું વેલ્યૂએશન 37.6 બિલિયન ડોલર આંકવામાં આવ્યું છે.
ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં એમેઝોન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જિયોમાર્ટ અને બીજી કંપનીઓની સ્પર્ધા કરતી આ કંપનીએ જણાવ્યું હતું કે તે ટેકનોલોજી, સપ્લાય ચેઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ચાલુ રાખશે.
ફંડિંગના આ તબક્કામાં ડિસરપ્ટએડી, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ખઝાના નેશનલ બર્હાદ જેવા સોવરિન ફંડ તથા ટેનસેન્ટ, વિલોબાય કેપિટલ, એન્ટારા કેપિટલ, ફ્રેકલિન ટેમ્પ્લ્ટન અને ટાઇગર ગ્લોબલ જેવા જાણીતા રોકાણકારોએ પણ રોકાણ કર્યું હતું. ફ્લિપકાર્ટે નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શન બાદ તેનું મૂલ્ય 37.6 બિલિયન ડોલર (આશરે રૂ.2.79 લાખ કરોડ થયું છે.
ગયા વર્ષના જુલાઇમાં ફ્લિપકાર્ટે 1.3 બિલિયનન ડોલર (રૂ.9,048 કરોડ) એકત્ર કર્યા હતા. તે સમયે કંપનીનું વેલ્યૂએશન 24.9 બિલિયન ડોલર (રૂ.1.87 લાખ કરોડ) આંકવામાં આવ્યું હતું. 2018માં વોલમાર્ટ ઇન્કે આ ગ્રૂપનો 77 ટકા હિસ્સો ખરીદવા માટે 16 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.