ભારતની આઝાદીના 75 વર્ષ 15મી ઓગસ્ટ 2022ના રોજ પૂરા થાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન ચાલુ કરવાની હાકલ કરી છે. વડાપ્રધાનની અપીલને પગલે ગુજરાત ભાજપે પણ એક મંગળવારે એક બેઠક યોજીને આ અભિયાન માટેની રૂપરેખા ઘડી કાઢી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં ભાજપના મુખ્યાલય કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યમાં ૯, ૧૦ અને ૧૧મી ઓગષ્ટે, પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા, દરેક શહેર, તાલુકાઓમાં બાઈક રેલીનું આયોજન કરાશે, જેમાં યુવાનો તિરંગા સાથે રેલીમાં સામેલ થશે. રાજ્યમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ૧૪મી, ઓગષ્ટે અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે. જેમાં ખાસ કરીને મશાલ યાત્રાઓનું આયોજન કરાશે. આ ઉપરાંત વીર શહીદો, સેનાનીઓના પરિવારજનોની મુલાકાત લેવાશે અને તેમને મીઠાઈ અપાશે.
એવી જ રીતે, ૯મીથી ૧૫મી, ઓગષ્ટ સુધી રાજ્યભરમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાશે. રાજ્યના દરેક શહેર-તાલુકાઓમાં સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો અપાશે. શાળા-કોલેજોના વિધાર્થીઓમાં પણ દેશપ્રેમ પેદા થાય તે માટે તેમને તિરંગા અપાશે.