બેલ્જિયમથી ફાઇઝર રસીનો પુરવઠો યુકે લાવવા માટે બ્રેક્ઝીટના કારણે પરિવહન પર કોઇ અસર ન પડે તે માટે બ્રેક્ઝિટ-પ્રૂફ યોજનાઓ ઘડાઇ રહી છે. 31 ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝીશનની અવધિના અંત આવે છે પણ હજુ સુધી યુરોપિયન યુનિયન સાથે કોઈ કરાર થયો નથી.
બેલ્જિયમની મેન્યુફેક્ચરિંગ સાઇટથી ફાઇઝરની રસીનો મોટો પુરવઠો નવા વર્ષમાં આવવાની અપેક્ષા છે. પરંતુ યુકેના રોડ હાઉલેજ એસોસિએશને ચેતવણી આપી છે કે આ મહિનાના અંત સુધીમાં યુરોપિયન યુનિયન અને યુકે વચ્ચેના બ્રેક્ઝિટ વેપાર સોદો નહિં થાય તો રસી મેળવવામાં “નોંધપાત્ર વિક્ષેપ” જોઈ શકે છે.
વડા પ્રધાન બોરીસ જ્હોન્સન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લ્યેન આ અઠવાડિયે ફરી મંત્રણા માટે તૈયાર થયા છે. પણ જો બંને પક્ષો કોઈ કરાર કરવામાં નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ મોટાભાગની ચીજો માટે ઇમ્પોર્ટ ડ્યુટીના પ્રશ્નો ઉભા થશે અને સરહદ પર વિલંબ થશે.