ભારતમાં અત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓની મોસમ ચાલી રહી છે. આ ચૂંટણીઓ 19 એપ્રિલથી શરૂ થઇ છે અને 1 જૂન સુધી સાત જુદા-જુદા તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો તમિલનાડુમાં પૂર્ણ થયો જ્યાં રજનીકાંત અને કમલ હાસન સહિત ઘણા અભિનેતાઓએ મતદાન કર્યું હવે. હવે પાંચમો તબક્કો મહારાષ્ટ્રમાં 20મી મેના રોજ યોજાશે જેમાં બોલીવૂડની તમામ હસ્તીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેવું માનવામાં આવે છે. જોકે, ત્યાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમની પાસે મત આપવાનો અધિકાર નથી.
કેટરિના કૈફ બ્રિટિશ હોંગકોંગમાં જન્મેલી હોવાથી ભારતીય નાગરિકતા ધરાવતી નથી. તેથી જ હિન્દી સિનેમામાં સફળ કારકિર્દી હોવા છતાં, કેટરિના પાસે ભારતમાં મત આપવાનો અધિકાર નથી.
આલિયા ભટ્ટ બોલીવૂડની યુવા અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. જોકે, તેની પાસે પણ મત આપવાનો અધિકાર નથી. ખરેખર, આલિયા પાસે પણ ભારતીય નાગરિકતા નથી. તેનું કારણ એ છે કે તેનો જન્મ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં થયો હતો, તેની માતા સોની રાઝદાનનો જન્મ પણ ત્યાં જ થયો હતો.
નવોદિત અભિનેત્રી અને ડાન્સર તરીકે જાણીતી નોરા ફતેહી મૂળ તો મોરોક્કોની રહેવાસી છે, તેના માતા-પિતા બંને મોરોક્કન છે. જોકે, તેની પાસે કેનેડાની નાગરિકતા છે. આથી તેની પાસે ભારતમાં મતદાન કરવાની કાયદાકીય મંજૂરી નથી.
જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ બહેરીનમાં થયો હતો. તે શ્રીલંકન પિતા અને મલેશિયન માતાની પુત્રી છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. તેથી તે ભારતીય ચૂંટણીઓમાં મત આપવા માટે હકદાર નથી. દેશમાં મતદાન કરવાનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવ્યો છે.
સની લિયોની કરનજીત કૌર ઉર્ફે સની લિયોની કેનેડાની નાગરિકતા ધરાવે છે. તેથી વર્તમાન લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.