જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગુરુવાર રાત્રે આતંકવાદીઓએ કરેલાં હુમલામાં ભારતીય લશ્કરી દળોના પાંચ સૈનિકો શહીદ થયા હતા અને એકને ઇજા થઈ હતી. આ તમામ સૈનિકો આતંકવાદ વિરોધી અભિયાન માટે જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ સૈનિકો રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટના હતા. આર્મી વડા જનરલ મનોજ પાંડેએ આ ઘટના અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપી હતી. સંરક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું હતું કે ‘પૂંચ જિલ્લામાં બનેલી આ આઘાતજનક ઘટનાથી દુખ અને ગુસ્સો છે. ભારતીય સેનાએ તેના બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. મૃતકના પરિવારો સાથે મારી લાગણી છે.’
આર્મીના સૈનિકો જે વાહનમાં જઇ રહ્યા હતા તેને અજાણ્યા આતંકીઓ દ્વારા આગ લગાડી દેવાઇ હતી. રાજોરીની ભીમ્બેર ગલી અને પૂંચ વચ્ચે જઇ રહેલા સેનાના વાહન પર અજાણ્યા આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઇ આતંકીઓ ભાગી ગયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ જમ્મુ શહેરમાં તાવી બ્રિજ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આતંકી ઘટના બાદ ભીમ્બેર ગલી- પૂંચ રોડ પરનો ટ્રાફિક અટકાવી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઘટના પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી.