ગાંધીનગર જિલ્લાના કલોલમાં બુધવારે સવારે રાજ્ય પરિવહન નિગમની બસ બસ અને લક્ઝરી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા અને કેટલાંક લોકો ઘાયલ થયા હતા. કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર એક એસટી બસ ઉભી હતી તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી બસે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જે બાદ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઉભેલાં મુસાફરો એસટી બસ નીચે કચડાઈ ગયા હતા. બસના પૈડાં આ મુસાફરો પર ફરી વળ્યા હતા.
બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાં લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ગંભીર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં મુસાફરોની ચિચિયારીઓ ગૂંજી ઊઠી હતી. જે લોકોએ આ અકસ્માત નજરે જોયો હતો તેઓના કાળજા કંપી ઉઠ્યા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે, કલોલમાં થયેલ અકસ્માતમાં નિર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દુ:ખદ છે. જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000 ની સહાય કરશે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મૃતકોમાં શારદાબેન રોહિતભાઈ જાગરિયા, બળવંતજી કાળાજી ઠાકોર, દિલીપસિંહ એમ. વિહોલ, પાર્થ ગુણવંતભાઈ પટેલ અને સાવન સુરેશભાઈ દરજીનો સમાવેશ થાય છે.