વડોદરા નજીક હાઇવેની બાજુમાં પાર્ક કરેલી કન્ટેનર ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક બાળક સહિત એક જ પરિવારના પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત રવિવારે મોડી રાત્રે થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક જ પરિવારના બે પુરુષો, તેમની પત્નીઓ અને બે બાળકો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી કારમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે રવિવારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. બે યુગલો અને એક વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ વર્ષના બાળકને ઈજાઓ થઈ હતી. પોલીસ અને ફાયર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પીડિતોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
મીડિયા રીપોર્ટ મુજબ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો ત્યારે કારમાં આજવા રોડ મધુનગરના રહેવાસી પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ. 34) મયુરભાઈ પટેલ (ઉં.વ. 30), ઉર્વશીબેન પટેલ (ઉં.વ. 31) ભૂમિકાબેન પટેલ (ઉં.વ. 28) લવ પટેલ (ઉં.વ. સાત મહિના) બેઠેલા હતા. અકસ્માતમાં અસ્મિતા પટેલ (ઉં.વ. ૫)નો આબાદ બચાવ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મકરપુરા ફાયર બ્રિગેડના નિકુંજ આઝાદ સહિત તેમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી બચાવ કામગીરી અને અલ્ટો ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી સતત અડધો કલાક સુધી ચાલી હતી.