કેન્ટુકીના લૂઇવીલેમાં ઓલ્ડ નેશનલ બેંકની બહાર સોમવારે સવારે ગોળીબારની એક ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, તો તે ઉપરાંત અને ઓછામાં ઓછા એક પોલીસ અધિકારી સહિત છ બીજા લોકો ઘવાયા હતા. એવું મનાય છે કે મૃતકોમાં ગોળીબાર કરનાર શખ્સનો સમાવેશ થાય છે, તેણે બેંકમાંથી ચોરી નહીં કરી હોવાનું કહેવાય છે.
આ બેંક શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં ઇસ્ટ મેઇન સ્ટ્રીટના વિસ્તારમાં છે, જે નેશવિલેથી થોડા કલાકોના અંતરે છે, ત્યાં તાજેતરમાં એક બંદૂકધારીએ ક્રિશ્ચન સ્કૂલમાં જાહેર ગોળીબાર કરીને છ લોકોની હત્યા કરી હતી. ડિસ્પેચર્સને પોલીસ સ્કેનર્સ પર એવા સંકેત મળ્યા હતા કે, લૂઇવિલે સ્લગર સ્ટેડિયમની સામે આવેલી બિલ્ડિંગના પ્રથમ માળે ગોળીબાર થયો છે. મેટ્રો પોલીસે કહ્યું છે કે તેમણે બેંકમાં બંદૂકધારીને નિર્બળ બનાવ્યો હતો, ત્યાં ગભરાયેલા કર્મચારીઓએ વોલ્ટની અંદર છૂપાઇ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે, તેમણે સોમવારે સવારે બેંકમાંથી અનેક ગોળીબાર અને કાચ તૂટવાનો અવાજ સાંભળ્યો હતો.
સોશિયલ મીડિયા પર સાક્ષીઓના જણાવ્યા મુજબ ઓછામાં ઓછી એક ડઝન પોલીસ કાર અને ત્રણ એમ્બ્યુલન્સ આ વિસ્તારમાં જોવા મળી હતી. ત્યાં જમીન પર લોહી અને કાચ હોવાથી સ્ટ્રેચર્સને એમ્બ્યુલન્સમાં ખસેડતા જોવા મળ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોઇને એફબીઆઇના અધિકારીઓ અને ગવર્નર એન્ડી બેશિઅર ત્યાં પહોંચ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.