પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી આવી છે કે કેનેડામાં ભારતીય રાજદ્રારીઓની જાસૂસી કરાઈ હતી. ભારતીય રાજદ્વારીઓને જાસૂસી કરવા માટે તેમને સર્વેલાન્સ હેઠળ મૂકાયાં હતાં. આ ઉપરાંત કેનેડામાં ભારતીય અધિકારીઓ અને રાજદ્વારીઓ વચ્ચેની વાતચીત અને બીજી કેટલીક ગોપનીય માહિતી  “ફાઇવ આઇ” નામના ઇન્ટેલિજન્સ એલાયન્સે આપી હતી. આ એલાયન્સમાં કેનેડા ઉપરાંત અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડનો સમાવેશ થાય છે.

18 જૂને સરેમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની ભૂમિકાના કેનેડિયન વડાપ્રધાનના દાવાને પગલે ભારત-કેનેડા સંબંધો વણસ્યા છે, ત્યારે આ ચોંકાવનારો ઘટસ્ફોટ છે. આ ગતિવિધિથી વાકેફ કેનેડાના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે આ ખુલાસો કર્યો હતો. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટની સંડોવણી હોવાના આક્ષેપોના સમર્થનમાં પોતાની પાસે તેના પુરાવા હોવાનો કેનેડાએ સંકેત આપ્યો હતો. યુએનમાં કેનેડાના રાજદૂત બોબ રાયે સંકેત આપ્યો હતો કે પુરાવા ટૂંકસમયમાં જાહેર નહીં કરાય. હજુ તો પ્રારંભિક દિવસો છે. હકીકતો બહાર આવશે અને પુરાવા ધીમે ધીમે બહાર આવશે.

જોકે તેમણે કયા સાથી દેશે ગોપનીય માહિતી આપી હતી તેની અથવા તો ભારતીય રાજદ્વારીઓની વાતચીતમાં શું હતું તેની વિગતો આપી ન હતી. ભારતીય રાજદ્વારીઓની વાતચીતની વિગતો કેવી રીતે મળી તેની પણ તેમને માહિતી આપી ન હતી.

ભારતે કેનેડાના આક્ષેપને વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો. આ પછી ભારતે કેનેડાના રાજદ્વારી સ્ટાફમાં ઘટાડો કરવાની તાકીદ કરી હતી. નવી દિલ્હીએ કેનેડાને તેની ધરતી પરથી કાર્યરત ભારત વિરોધી તત્વોને કાબૂમાં લેવા અને કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. આ અઠવાડિયે જારી કરાયેલ એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે કેનેડામાં તમામ ભારતીય નાગરિકો અને જેઓ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેઓને અત્યંત સાવધાની રાખવી જોઇએ.

LEAVE A REPLY