પાકિસ્તાન મેરિટાઇમ સિક્યોરિટ એજન્સીએ ગુજરાતના દ્વારકા ખાતેના સમુદ્રી વિસ્તારમાં ભારતીય માચ્છીમારોની હોડી પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું છે અને અન્ય એકને ઇજા થઈ હતી. ગુજરાત પોલીસે પાકિસ્તાન મેરિટાઇમના 10 જવાનો સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો, એમ સોમવારે અધિકારીએ જણાવ્યું હતું. પાકિસ્તાન મરિનના ફાયરિંગની ભારતે કડક નોંધ લીધી હતી અને પાકિસ્તાનના રાજદૂતને ફરિયાદ કરી હતી.
પાકિસ્તાની મરીને જે હોડી પર ફાયરિંગ કર્યું તેનું નામ જળપરી હતું. ફાયરિંગમાં એક માચ્છીમારનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતા. ઘાયલ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ પાકિસ્તાની મરીને જે સમયે આ હુમલો કર્યો તે સમયે જળપરી ભારતીય સરહદમાં જ હતી.
પોલીસે પોરબંદર જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનમાં રવિવારે એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાના મરિનના જવાનો બે બોટમાં આવ્યા હતા. તેમણે શનિવારે સાંજે 4 વાગ્યે ભારતીય માચ્છીમારની હોડી જલપરી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં મહારાષ્ટ્ર જિલ્લાના પાલઘરના માચ્છીમાર શ્રીધર રમેશ ચામરેનું મોત થયું હતું. દિવના દિલીપ સોલંકી નામના માચ્છીમારને ઇજા થઈ હતી. હોડીમાં સાત માચ્છીમારો હતા.