ઊંચા મોરગેજ ખર્ચના કારણે યુકેમાં પ્રથમ વખત ઘર ખરીદનારાઓમાં પાંચમા ભાગનો ઘટાડો થયો છે. મોરગેજ લેન્ડર્સ કહે છે કે લોકો સસ્તી મિલકતો શોધતા હોવાથી હાલમાં રીફર્બીશમેન્ટની જરૂર હોય તેવા ઘરોની માંગ સૌથી વધુ છે.
હેલિફેક્સના જણાવ્યા અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે પ્રથમ વખત ઘર ખરીદનારાની સંખ્યા 22% ઓછી હતી. તેઓ હજુ પણ આ વર્ષના પ્રથમ આઠ મહિનામાં સંમત થયેલી તમામ હોમ લોનમાં અડધાથી વધુ (53%) હિસ્સો ધરાવે છે, જે એક વર્ષ અગાઉ (52%) હતી. જ્યારે ફર્સ્ટ ટાઇમ બાયર્સની સરેરાશ ઉંમર છેલ્લા એક દાયકામાં બે વર્ષ વધીને 32 થઈ ગઈ છે.
પ્રોપર્ટી વેબસાઇટ રાઇટમુવ પર 600,000થી વધુ ઉપલબ્ધ પ્રોપર્ટીઝને જોતાં રીફર્બીશમેન્ટ માટેની સરેરાશ મિલકત 8% અથવા £29,000 જેટલી સસ્તી છે. બીજી તરફ જેઓ નવા રિફર્બિશ્ડ ઘરની શોધમાં છે તેઓ 19% અથવા લગભગ £70,000નું પ્રીમિયમ ચૂકવે છે.
રિફર્બિશ્ડ પ્રોજેક્ટ્સ પછી, નવા બોઈલર, ડબલ ગ્લેઝિંગ, લોફ્ટ કન્વર્ઝન અને સ્ટોરેજ સ્પેસ સાથેના ઘરો સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે ઘર ભાડે લેનારાઓને ડબલ ગ્લેઝિંગ, સ્માર્ટ ટેક્નોલોજી અને સ્ટેશનની નજીકના ઘર આકર્ષે છે.