ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર અત્યારે આફ્રિકન દેશોની મુલાકાતે છે. તેમણે મોઝામ્બિકમાં પાટનગર માપુટોમાં મેડ ઈન ઈન્ડિયા ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમની સાથે મોઝામ્બિકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ હાજર હતા. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, મોઝામ્બિકમાં ટ્રેન નેટવર્ક, વોટરવેઝ કનેક્ટિવિટીનું વિસ્તરણ કરવા માટે ભારતની ભાગીદારી અંગે અમારી વચ્ચે ચર્ચા થઈ છે. ડો. જયશંકરે પોતાની ટ્રેન મુસાફરીની તસવીર સાથે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, મેં મોઝામ્બિકના વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર પ્રધાન માટેઉસ માગલા સાથે ચર્ચા કરી છે.
ભારત ટ્રેન નેટવર્ક, ઈલેક્ટ્રિકલ સેકટર અને જળમાર્ગોની કનેક્ટિવિટીના ક્ષેત્રમાં મોઝામ્બિકનું વિશ્વાસપાત્ર ભાગીદાર રહ્યું છે. તેઓ મોઝામ્બિકના પ્રવાસે ત્રણ દિવસના છે.બંને દેશો વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે તેમણે મોઝામ્બિકની સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરી છે. ભારત તરફથી મોઝામ્બિકની મુલાકાત લેનાર તેઓ પ્રથમ વિદેશ પ્રધાન છે. તેમણે અહીં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાત કરી હતી અને માપુટોના એક શિવ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અહીંના ભારતીય સમુદાય સાથે વાત કરીને બહુ ખુશી થાય છે. તેમણે ભારત અને મોઝામ્બિકના ઐતહાસિક સંબંધોને પણ મહત્ત્વપૂર્ણ જણાવ્યા હતા.