અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઇ રહ્યું છે. રૂ. ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારું આ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હશે. ભારત સરકારના પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ તાજેતરમાં આ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.
તેમણે અને કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન શ્રીપાદ નાઈકે હેરીટેજ સાઈટ લોથલ ખાતે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી.

આ અંગે ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૪,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરીને દેશની પ્રાચીન દરિયાઈ સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનો પ્રથમ તબક્કો જાન્યુઆરી ૨૦૨૪ના અંત ભાગ સુધીમાં તૈયારી થઈ જશે અને ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

ભારત સમુદ્રી વિરાસતની ઐતિહાસિક અને મહાન ધરોહર ધરાવે છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા તો દક્ષિણમાં ચૌલ, ચેર અને પાંડય રાજવંશે સમુદ્ર શક્તિને વિસ્તારીત કરીને નવી ઊંચાઈ આપી હતી. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમ ૭૭ મીટરનું હશે

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની પાંચ વર્ષ જૂની હડપ્પાની વિરાસત એ ગુજરાતનું ગૌરવ છે. તેને ઉજાગર કરવાની, પુનર્જીવિત કરવાનો આ અવસર છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવું સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું. કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરતાં હતાં, તેવુ જીવંત નિદર્શન આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં કરવામાં આવશે. તે વખતે જે વ્યવસ્થાઓ, વિનિમય હતો, તેનું તાદૃશ્ય દર્શન થાય તે પ્રકારનું આ કોમ્પલેક્સ બનાવવામાં આવશે.

આ કોમ્પ્લેક્ષમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલમાં પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, અહીં દરિયાઈ જહાજો બનતાં હતાં, એ જ્વલંત ઇતિહાસ પણ અહીં ફરી જીવંત થશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રોજેક્ટ માટે ૪૦૦ એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરીટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરાશે. હડપ્પન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસો દર્શાવતી ૧૪ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન તૈયાર કરાશે.

LEAVE A REPLY