ઉત્તરપ્રદેશના ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધ ધારા 2021 હેઠળ પ્રથમ સજા થઈ છે. શનિવારે અમરોહાની કોર્ટે 26 વર્ષના મુસ્લિમ યુવકને પાંચ વર્ષની જેલ સજા ફટકારી હતી.
યુપીમાં ડિસેમ્બર 2021માં આ નવો કાયદો અમલી બન્યો હતો. આ પછી નવા કાયદા હેઠળની આ પ્રથમ સજા છે. અમરોહા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (પોસ્કો કોર્ટ) કપિલ રાધવે અફઝલને પાંચ વર્ષની કેદ અને રૂ.40,000ની પેનલ્ટી ફટકારી હતી. હસનપુર પોલીસ સ્ટેશના તપાસ અધિકારી ગજેન્દ્ર પાલ સિંહે જણાવ્યું હતું કે અમરોહા પોલીસે દિલ્હીમાંથી અફઝલની 4 એપ્રિલ 2021એ ધરપકડ કરી હતી અને બીજા ધર્મની 16 વર્ષની યુવતીનું અપહરણ કરવા બદલ ધર્માંતર વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કર્યો હતો. અગાઉ યુવતીના પિતાએ દાવો કર્યો હતો કે તેમની પુત્રી ઘર છોડી જતી રહી હતી અને પરત આવી ન હતી. યુવતીના પરિવારે જણાવ્યું હતું કે સગીર યુવતી સતત અફઝલના સંપર્કમાં રહેતી હતી. અફઝલ છોડ ખરીદવા માટે તેના પિતાની નર્સરીએ વારંવાર આવતો હતો.