દેશમાં ગરમીની તીવ્રતાને લીધે જાહેર આરોગ્ય માટે ચિંતા વધતાં મેટ ઑફિસે સાઉથ ઓફ વેલ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં ભારે ગરમીની પ્રથમ એમ્બર ચેતવણી જાહેર કરી છે. એંબર એ સિસ્ટમનો બીજા ક્રમની ઉચ્ચતમ ચેતવણી છે. જો કે ગુરૂવારે સાંજ સુધીમાં ગરમીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડમાં ગયા ઉનાળામાં રેકોર્ડબ્રેક હીટવેવને કારણે લોકોના મોત નોંધાયા બાદ ભારે ગરમી માટે ચેતવણી આપવાનું શરૂ કરવાની ગત મહિને મેટ ઑફિસે જાહેરાત કરી હતી અને આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. ગરમીના કારણે લોકોને ડિહાઇડ્રેશન, ઉબકા અને થાક લાગવા સહિત આરોગ્ય પર અસર થઇ શકે છે.
મેટ ઑફિસના આગાહી કરનાર માર્ક વિલ્સને જણાવ્યું હતું કે “આવતા સપ્તાહમાં હવામાન દિવસ અને રાત દરમિયાન ગરમ રહેશે અને તે કેટલાક લોકો માટે મુશ્કેલી સર્જશે. દિવસ અને રાત બન્ને ગરમ રહેવાના કારણે ઘણા લોકો અસ્વસ્થતા અનુભવશે. ગરમીના કારણે માળખાગત સુવિધાને અસર થતાં હવાઈ મુસાફરી, બસો અને ટ્રેનોમાં વિલંબ થઈ શકે છે. જો કે શુક્રવારથી વાતાવરણમાં બદલાવ આવશે.’’
લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના ગ્રાન્થમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન ક્લાયમેટ ચેન્જ એન્ડ એન્વાયર્નમેન્ટના પોલિસી અને કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર બોબ વૉર્ડે જણાવ્યું હતું કે ‘’યુકે કુદરતી આપત્તીની મધ્યમાં છે. આપણે જાણીએ છીએ કે હવામાન પરિવર્તનને કારણે હીટવેવ વધુ તીવ્ર અને અવારનવાર આવી રહી છે. ઓગસ્ટ 2020માં ગરમીના કારણે ઇંગ્લેન્ડમાં 1,700થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાંના મોટાભાગના વૃદ્ધો અથવા અંતર્ગત શ્વસન બિમારી ધરાવતા લોકો હતા. જો સરકારે નેશનલ હીટ રીસ્ક સ્ટ્રેટેજી અપનાવી હોત તો તેમાંથી ઘણાં મોતને અટકાવી શકાયાં હોત.”
આગામી સપ્તાહના અંતમાં ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે અને રાબેતા મુજબનું 20 ડીગ્રી સેલ્સીયસ તાપમાન થઇ જશે. સાઉથ ઓફ ઇંગ્લેન્ડમાં શનિવારે ભારે, ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે દેશના ઉત્તરમાં ગરમ હવામાન અને તડકાનો અનુભવ યથાવત રહેશે.