પહેલી એપ્રિલ 2022થી ભારતમાં નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષની સાથે પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમો બદલાઈ ગયા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનાર પર ટેક્સ લગાવાશે.
પીએફ એકાઉન્ટ પર ટેક્સ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 1 એપ્રિલથી આવકવેરા (25મો સુધારો) નિયમો, 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા EPF ખાતામાં માત્ર 2.5 લાખ રૂપિયા જ નાખો છો, તો તે ટેક્સ ફ્રી રહેશે. જો તમે આનાથી વધુ પૈસા મુકો છો, તો તમારે કમાયેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.
પોસ્ટ ઓફિસની સ્કીમમાં ફેરફાર
1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમના નિયમોમાં ફેરફાર થયા છે. 1 એપ્રિલથી લાગુ થતા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરવા માટે સેવિંગ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. આ સાથે, નાની બચતમાં જમા રકમ પર અગાઉ જે વ્યાજ મળતું હતું, તે હવે પોસ્ટ ઓફિસના બચત ખાતા અથવા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ સાથે, પહેલાથી અસ્તિત્વમાં છે, તે બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતાને પોસ્ટ ઓફિસના નાના બચત ખાતા સાથે લિંક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ક્રિપ્ટોના નફા પર કર
ક્રિપ્ટોકરન્સીની આવક પર ટેક્સ 1 એપ્રિલથી લાગુ થયો છે. નાણાકીય વર્ષની શરૂઆત સાથે, આવક પર 30% ટેક્સ લાગુ થશે, જ્યારે 1 ટકાનો TDS 1 જુલાઈ, 2022 થી લાગુ થશે.
આવશ્યક દવા મોંઘી થઈ
એક એપ્રિલથી ભારતમાં આવશ્યકત દવાઓ ખરીદવી મોંઘી થઇ છે. રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકા સુધીનો વધારો થયો છે. આમાં તાવની દવા પેરાસીટામોલ પણ સામેલ છે.
ઘર ખરીદી માટે 80EEA હેઠળ ટેક્સ લાભ નહીં મળે
એપ્રિલથી ઘર ખરીદવું મોંઘુ થઈ જશે. કેન્દ્ર સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને કલમ 80EEA હેઠળ ટેક્સ છૂટનો લાભ આપવાનું બંધ કરવા જઈ રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી 1.5 લાખનો ફાયદો થતો હતો.
પાન કાર્ડનું આધાર કાર્ડ સાથે લિન્કિંગ
પહેલી એપ્રિલ 2022 સુધીમાં જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કરાવ્યું હોય તો પેનલ્ટી લાગુ પડશે. 1 એપ્રિલ, 2022થી 30, જૂન 2022 સુધીમાં તમે પાન-આધાર લિંક કરાવશો તો તમારે 500 રુપિયા ભરવા પડશે. જો આ સમયગાળા પછી તમે પાન-આધાર લિંક કરાવશો તો તમારે 1000 રુપિયા દંડ ભરવો પડશે.