સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે ફટાકડાના ઉત્પાદનમાં ઝેરી કેમિકલ્સના ઉપયોગ અંગેનો સીબીઆઇનો અહેવાલ ઘણો જ ગંભીર છે તથા પ્રથમદર્શીય રીતે લાગે છે કે ફટાકડામાં બેરિયમના ઉપયોગ અને તેના લેબલિંગમાં કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે.
ન્યાયમૂર્તિ એમ આર શાહ અને એ એસ બોપન્નાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે સીબીઆઇએ જપ્ત કરેલા જથ્થામાં બેરિયલ સોલ્ટ્સ જેવા હાનિકારક કેમિકલ્સ મળી આવ્યાં છે. હિન્દુસ્તાન ફાયરવર્કસ અને સ્ટાન્ડર્ડ ફાયરવર્કસ જેવી ઉત્પાદક કંપનીઓએ જંગી માત્રામાં બેરિયમ ખરીદ્યું હતું અને ફટાકડામાં તેનો ઉપયોગ કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે “સીબીઆઇ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે ઉત્પાદક ફેક્ટરીઓ પાસેથી ફટાકડા અને કાચા માલના વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તેમાં બહાર આવ્યું હતું કે ઘણા ફટાકડામાં બેરિયમ અને બેરિયમ સોલ્ટ્સ મળી આવ્યું છે. 2019માં બેરિયમ-બેરિયમ સોલ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ઉત્પાદકોએ જંગી માત્રામાં આ કેમિકલ્સની ખરીદી કરી હતી. ફટાકડાના લેબલમાં એવું લખેલું હતું કે તેમા કેમિકલનો ઉપયોગ થયો નથી. લેબલમાં ઉત્પાદનના વર્ષનો પણ ઉલ્લેખ નથી. ”
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષના માર્ચમાં સ્ટાન્ડર્ડ ફાયરવર્કસ, હિન્દુસ્તાન ફાયવર્કસ, વિનાયગ ફાયરવર્ક, શ્રી મિરિયમ્મન ફાયરવર્કસ સહિતની કંપનીઓને કારણદર્શક નોટિસ આપીને જવાબ માંગ્યો હતો કે કોર્ટના અગાઉના આદેશના ભંગ બદલ તેમની પાસે કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી. અગાઉના આદેશમાં પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ ન કરવાની તાકીદ કરાઈ હતી. જોકે કોર્ટે ઉત્પાદકોને પોતાની વાત રજૂ કરવા એક વધુ તક આપવાનો નિર્ણય કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઉત્પાદકોને નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દેશમાં દરરોજ કોઇને કોઇ ઉજવણી થાય છે. પરંતુ અમારે બીજા પાસાંની પણ વિચારણા કરવી પડે છે. અણે લોકોને મરવા માટે છોડી શકીએ નહીં.