(PTI Photo/Kamal Kishore)

ભારતમાં ચોમાસુ શરૂ થવાની તૈયારી છે ત્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, બિહાર સહિતના ઉત્તર ભારતમાં ભીષણ હીટવેવને કારણે તાપમાનનો પારો છેલ્લાં કેટલાંક દિવસોથી નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. રાજસ્થાન અને દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રીનાં આંકને વટાવી ગયો હતું. દિલ્હીના મુંગેશપુરમાં બુધવારે મહત્તમ તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે શહેરમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન હતું. દિલ્હીના ત્રણ વિસ્તારો મુંગેશપુર, નરેલા અને નજફગઢમાં મંગળવારે પણ લગભગ 50 ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ તીવ્ર હીટવેવને કારણે બિહાર સરકારે બુધવારે તમામ ખાનગી અને સરકારી સંચાલિત શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

રાજસ્થાનના જયપુરમાં મંગળવારે હીટસ્ટ્રોકને કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતાં. બીજી તરફ હીટસ્ટ્રોકના કુલ કેસોની સંખ્યા વધી 3,965 થઈ હતી. ઝાલાવાડ જિલ્લાના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયેલા બે નવજાત શિશુઓનું મંગળવારે મૃત્યુ થયું હતું. બ્લોક મેડિકલ ઓફિસર રઈસ ખાન હોસ્પિટલ પહોંચ્યા હતા અને વોર્ડમાં ચાર કુલર લગાવવા અને હોસ્પિટલમાં 24 કલાક ડ્યૂટી માટે ડોક્ટરોની નિમણૂક કરવાની સૂચના આપી હતી.
દિલ્હીના પ્રાયમરી વેધર સ્ટેશન સફદરજંગ વેધશાળામાં બુધવારે મહત્તમ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 79 વર્ષમાં સૌથી ઊંચું છે. અગાઉ 17 જૂન, 1945ના રોજ તાપમાન 46.7 ડિગ્રી રહ્યું હતું.

જોકે દિલ્હી મુંગેશપુરના તાપમાન અંગે IMD જણાવ્યું હતું કે આ વિસ્તાર માટે સેન્સર અને હવામાન સ્ટેશનના ડેટાની તપાસ કરી રહ્યું છે. શહેરના નજફગઢમાં 49.1, પુસામાં 49 અને નરેલામાં 48.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનથી ગરમ પવન ફૂંકાવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનમાં વધારો થયો હતો.

સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો. જોકે તેનાથી ભેજનું સ્તર વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં હીટવેવ અને ગરમ હવામાનમાં રાહત ન મળવાની ધારણા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી સવેતન ત્રણ કલાકનો આરામ આપવાનો આદેશ કર્યો હતો. તેમણે મજૂરોને બાંધકામ સ્થળો પર પાણી અને કોકોનટ મિલ્ક આપવાનો પણ આદેશ કર્યો હતો.
અસહ્ય ગરમીને કારણે દિલ્હીના ઈતિહાસમાં પહેલીવાર પાવર ડિમાન્ડ 8,300-MWના આંકને વટાવી ગઈ હતી. પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ આ ઉનાળામાં વીજ માંગ 8,200 મેગાવોટની ટોચે રહેવાનો અંદાજ મૂક્યો હતો

દિલ્હીની સાથે પંજાબ, હરિયાણામાં અસહ્ય ગરમી ચાલુ રહી હતી. બુધરાવે રોહતકમાં તાપમાનનો પારો 48.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. ચંડીગઢમાં મહત્તમ 46 ડિગ્રી નોંધાયું હતું, જે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. આ ઉપરાંત હિસારમાં 48.5, મહેન્દ્રગઢમાં 48.3 સિરસામાં 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઝજ્જરમાં 48.4, ફરીદાબાદમાં 48, અંબાલામાં 44.3 અને કરનાલમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રોહતક અને હિસારમાં સાંજના સમયે હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી હતી.

દિલ્હીના મુંગેશપુર એરિયાના અસાધારણ 52.9 ડિગ્રી તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે કોઈપણ સંભવિત ભૂલ માટે આ વિસ્તારના હવામાન સ્ટેશનના સેન્સર અને ડેટાની તપાસ કરી રહ્યું છે. અર્થ સાયન્સ પ્રધાન કિરેન રિજિજુએ પણ જણાવ્યું હતું કે આ આંકડો હજી સત્તાવાર નથી. દિલ્હીમાં 52.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ખૂબ જ અસંભવિત છે. IMDમાં અમારા વરિષ્ઠ અધિકારીઓને સમાચાર અહેવાલની ચકાસણી કરવા માટે કહેવામાં આવ્યું છે. સત્તાવાર સ્થિતિ ટૂંક સમયમાં જણાવવામાં આવશે.

LEAVE A REPLY