અદાણી ગ્રૂપને ધ્યાનમાં રાખીને બજેટમાં ગ્રીન અને ક્લિન એનર્જી માટે ફાળવણી કરાઈ હોવાના વિપક્ષના આક્ષેપોને ફગાવી દેતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે જીજાજી અને ભતિજાને ફાયદો કરાવવાનું કોંગ્રેસનું કલ્ચર છે, મોદી સરકારનું નહી.
નાણાપ્રધાને 2023-24ના કેન્દ્રીય બજેટમાં ક્લિન એનર્જી ટ્રાન્ઝિશન માટે રૂ.35,000 કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ અદાણી ગ્રૂપે રિન્યુએબલ એનર્જીથી લઇને ગ્રીન હાઇડ્રોજન માટે જંગી પ્રોજેક્ટ્સની જાહેરાત કરેલી છે. આવી ફાળવણીને ગ્રીન ગ્રોથ બજેટ ગણાવાયું હતું. જોકે વિપક્ષે અદાણી માટે ગ્રીન બજેટનો આક્ષેપ કર્યો છે
લોકસભામાં બજેટ અંગેની ચર્ચાના જવાબમાં નાણાપ્રધાને આ ટીપ્પણી કરી હતી. હિસાબી ગોટાળાને કારણે વિશ્વના એક સૌથી ધનિક વ્યક્તિના માર્કેટકેપમાં 47 ટકાનું ધોવાણ થાય ત્યારે રોકાણકારોમાં વિશ્વાસ કેવી રીતે આવી શકે તે મુદ્દે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા માગી હતી.
ગાંધી પરિવાર પર પ્રહાર કરતાં સીતારામને જણાવ્યું હતું કે એવો સમય પણ હતો કે જ્યારે ચોક્કસ વ્યક્તિને લોન આપવા માટે બેન્કોને ફોન કોલ થતાં હતા. ફોન કોલ્સ કરવામાં આવે, જો જીજાજી અને ભતિજાઓને લાભ આપવામાં આવે, તો તે તેમની સંસ્કૃતિ હોઈ શકે છે.