અમેરિકાની યાત્રા દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે G-20 અધ્યક્ષ તરીકે ભારત બહુરાષ્ટ્રીય વિકાસ બેન્કો (MDB), દેવાની સ્થિતિ અને હવામાન પરિવર્તન જેવા ઘણા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કની તાજેતરમાં પૂર્ણ થયેલી વાર્ષિક બેઠકો દરમિયાન, સીતારમણ સહિત ભારતીય પ્રતિનિધિમંડળે વિશ્વના મુખ્ય અર્થતંત્રોના ગ્રૂપ ગણાતા જી-20ના પ્રમુખ તરીકે ભારતની પ્રાથમિકતાઓ અંગે જી-20 દેશોના નાણા પ્રધાનો અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરોને માહિતી આપી હતી.
ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ સંભાળશે.
સીતારમણે શનિવારે વોશિંગ્ટનમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે “અમે G-20 સભ્યો સાથે અનૌપચારિક બ્રેકફાસ્ટ કર્યો હતો. મને નિઃસંકોચપણે લાગ્યું છે કે તમામ સભ્યો સહકાર આપી રહ્યાં છે. તમામ સભ્યોએ જણાવ્યું છે કે પ્રમુખ તરીકે ભારતે એક વર્ષ માટે મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને અમે બધા તમને સમર્થન અને સહકાર આપવા માટે અહીં છીએ.
પ્રધાને જણાવ્યું હતું કે તેમણે વિગતવાર એજન્ડા મૂક્યો નથી, પરંતુ ભારતને રસ છે તેવા વ્યાપક મુદ્દાઓ વિશે વાત કરી હતી. હું કહેવા માંગુ છું કે બહુપક્ષીય વિકાસ બેન્કો તેમની પાસેના એન્ડોવમેન્ટનો વધુ સારી રીતે કેવી રીતે લાભ લઈ શકે, તે અંગે G-20 સભ્યો ચર્ચા કરે તેવી અમારી ઇચ્છા છે.