ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફિલ્ટર વાળા અને વાલ્વવાળા માસ્કનો ઉપયોગ નહિ કરવા માટે સલાહ આપી છે. હાલમાં કોરોનાની હાડમારીમાં આ વાયરસની રસી બજારમાં આવી નથી અને કોઇ વેક્સિન બજારમાં નથી ત્યારે માસ્ક એક જ એવી વસ્તુ છે જે કોરોના સામે રક્ષણ આપે છે. પરંતુ વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્ક કોરોનાના વિષાણુઓ સામે રક્ષણ આપી શકતા ન હોવાથી આવા માસ્ક નહિ વાપરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજ્યના દરેક વિભાગને સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખીને લોકોને જાગૃત કરવા માટે જણાવાયું છે. કોરોનાના વિષાણુઓ સામે આ માસ્ક રક્ષણ ન આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણના પરિપત્રના આધારે પત્ર લખાયો છે. વાલ્વવાળા માસ્કને લઈને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, આવા માસ્ક ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. ઓક્સફોર્ડના પ્રોફેસરો જણાવી રહ્યા છે કે, આવા માસ્ક પહેરવા તે કંઈ ના પહેરવા જેટલું જ જોખમી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માસ્કમાં રહેલો વન-વે વાલ્વ જ્યારે વ્યક્તિ શ્વાસ લે ત્યારે બંધ થઈ જાય છે અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે ત્યારે ખૂલી જાય છે. જેના કારણે વાલ્વવાળું માસ્ક પહેરેલી વ્યક્તિ શ્વાસ લે ત્યારે તેના શ્વાસમાં હવા ફિલ્ટર થઈને આવે છે. જોકે તે શ્વાસ કાઢે ત્યારે વાલ્વના નાનાકડા કાણાંમાંથી હવા પ્રેશર સાથે બહાર નીકળે છે. આ હવા ફિલ્ટર થઈને બહાર આવતી નથી. આનો અર્થ એવો થાય કે માસ્ક પહેરનારા વ્યક્તિને જો કોરોનાનો ચેપ લાગેલો હોય તો તે હવામાં વાયરસ ફેલાવી શકે છે.