સાત વર્ષ પછી કરણ જોહર ફરીથી દિગ્દર્શક તરીકે હાથ અજમાવ્યો છે. આ ફિલ્મમાં આલિયા-રણવીર જોડીની સાથે ધર્મેન્દ્ર-શબાના આઝમી અને જ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફેમિલી ડ્રામા ફિલ્મ મનોરંજનનો ખજાનો છે સાથે જ ખાસ સંદેશ પણ આપે છે. આ ફિલ્મમાં પુરુષપ્રધાન માનસિકતા, લૈંગિક ભેદભાવ, બોડી શેમિંગ, નારીદ્વેષ જેવા સામાજિક દૂષણ ગણાતા મુદ્દાઓને પણ ઉઠાવાયા છે.
આ ફિલ્મમાં દિલ્હીમાં વસતાં એવા યુવક-યુવતી રોકી રંધાવા (રણવીર સિંહ) અને રાની ચેટર્જી (આલિયા ભટ્ટ)ની કથા છે જે બંને એકબીજાથી ખૂબ અલગ છે. રોકી શહેરના સૌથી જાણીતા મીઠાઈવાળાનો દીકરો છે. ચળકતા કપડા પહેરતો પંજાબી રોકી પ્રોટીન શેક લઈને બાવડા બનાવવામાં લાગ્યો હોય છે. તેને અંગ્રેજી આવડતું નથી અને જનરલ નોલેજમાં તો તે ઝીરો છે. તે સંયુક્ત પરિવારમાં રહે છે. આ ઘરમાં મીઠાઈ બિઝનેસ પર રાજ કરતી તેની કડક સ્વભાવની દાદી ધનલક્ષ્મી (જયા બચ્ચન), દાદીના ઈશારે ચાલતા પિતા તિજોરી (આમિર બશીર), યાદશક્તિ ગુમાવી ચૂકેલા શાયર દાદા (ધર્મેન્દ્ર), પતિને પરમેશ્વર માનતી મમ્મી અને સ્થૂળતાનો શિકાર બહેન રહે છે. બીજી તરફ રાની સુશિક્ષિત બંગાળી પરિવારમાંથી આવે છે. તે પોતે એક ન્યૂઝ એન્કર છે. તેના પિતા (રોય ચૌધરી) એક કથક ડાન્સર છે.
રાનીની મમ્મી (ચુરની ગાંગુલી) અને દાદી જામીની (શબાના આઝમી) પણ છે. રોકી પોતાના દાદા કંવલની ભૂતકાળની લવસ્ટોરીના સંદર્ભે રાની સાથે મુલાકાત કરે છે. પ્રથમ મુલાકાતમાં રાનીને તે બીજા ગ્રહ પરથી આવેલો એલિયન લાગતો હતો. રોકી અને રાનીને ખબર પડે છે કે, જામીની અને કંવલ એકસમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. રોકી, રાની અને જામીનીની મદદથી દાદાની ગુમાવેલી યાદશક્તિ પાછી લાવવાના પ્રયાસમાં જોડાયેલો છે. મુલાકાતોનો સિલસિલો વધતાં રોકી રાનીના પ્રેમમાં પડી જાય છે. પહેલા તો રાનીને લાગે છે કે આ ફક્ત શારીરિક આકર્ષણ છે પરંતુ ધીમે-ધીમે તે પણ રોકીના પ્રેમમાં પડે છે. જોકે, બંનેના પરિવારોમાં જમીન-આસમાનનો તફાવત છે, જેને દૂર કરવા માટે બંને એક યોજના બનાવે છે. તેઓ નક્કી કરે છે કે રાની ત્રણ મહિના સુધી રોકીના ઘરે રહેશે અને રોકી રાનીના ઘરે. આ યોજનાની બંને પર શું અસર થાય છે? તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.
કરણ જોહરની ફિલ્મ હોય એટલે તેમાં ભવ્યતા તો જોવા મળે જ. ફિલ્મની શરૂઆત જ ધમાકેદાર ગીતથી થાય છે જેમાં વરુણ ધવન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન જોવા મળે છે. ફિલ્મની વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ રસપ્રદ થતી જાય છે. ફિલ્મમાં રોમાન્સ, સાસુ-વહુનો ડ્રામા, ભવ્ય સેટ, મજેદાર સંવાદ અને પાત્રોના કમાલના કોશ્ચ્યૂમ સહિત બધું જ છે. જોકે, આ વખતે કરણ જોહરે એક નવતર પ્રયોગ કર્યો છે. પરિસ્થિતિ અને પાત્રોને આધારે તેણે વિવિધ મુદ્દા ઉઠાવ્યા છે. ઘરમાં ધનલક્ષ્મી જેવી મહિલાનું રાજ ચાલે છે પરંતુ તે પુરુષપ્રધાન માનસિકતાનો શિકાર છે. ફિલ્મમાં સાંસ્કૃતિ ભેદભાવોને લીધે બે તદ્દન વિપરીત પરિવારો એકબીજા માટે કેવી માનસિકતા રાખી શકે છે તે દર્શાવાયું છે.