દિગ્દર્શક શ્રીરામ રાઘવનની નવી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા મુજબ ક્રિસમસની એક અંધારી કાળી રાતે બે અજાણ્યા વ્યક્તિઓની મુલાકાત થાય છે. મારિયા (કેટરિના કૈફ) અને આલ્બર્ટ (વિજય સેતુપતિ) એકબીજાને મળે છે. ક્રિસમસ પર આખું શહેર ઝગમગી રહ્યું છે. આ એ વખતનું મુંબઈ છે જ્યારે તે બોમ્બેના નામે જાણીતું હતું.
આલ્બર્ટ સાત વર્ષ પછી પોતાના ઘરે પાછો આવ્યો છે. પરંતુ ક્રિસમસની રાત્રે ઘરમાં મૃત મમ્મીને યાદ કરીને ઉદાસ થવાના બદલે તે શહેરમાં ફરવા નીકળી પડે છે. એ વખતે એક રેસ્ટોરાંમાં પોતાની દીકરી અને તેના ટેડીબેર સાથે એકલી બેઠલી મારિયા સાથે તેની મુલાકાત થાય છે.
પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે આલ્બર્ટ મારિયા તરફ આકર્ષાય છે. મારિયા પોતાના લગ્નજીવનથી ખુશ નથી અને આલ્બર્ટના ભૂતકાળમાં પણ અનેક રહસ્યો છે. જેમ-જેમ રાત વિતે છે તેમ-તેમ મારિયા અને આલ્બર્ટ નજીક આવે છે. પરંતુ એક રહસ્યમય હત્યા તેમના સંબંધોને અટકાવે છે. હવે તે રહસ્યને જાણવા માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં સંજય કપૂર, વિનય પાઠક, અશ્વિની કાલસેકર, ટીનૂ આનંદ જેવા કલાકારોએ નાની ભૂમિકા ભજવી છે.