ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ દર્શાવનાર કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત આ ફિલ્મ છે. અજય દેવગણે આ ફિલ્મમાં તે કોચની ભૂમિકા ભજવી છે. ભારતીય ફૂટબોલનો સુવર્ણકાળ 1952થી 1962 સુધીનો હતો. આ માત્ર એક વ્યક્તિ સૈયદ અબ્દુલ રહીમ (અજય દેવગણ)ના કારણે શક્ય બન્યું હતું. ફિલ્મની વાર્તા તેમના જીવન પર આધારિત છે. ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે સૈયદ અબ્દુલ રહીમ દેશભરમાંથી ખેલાડીઓને એકત્ર કરે છે અને તેમને દેશ માટે રમવાની તાલીમ આપે છે.
દરમિયાન, તેણે ભારતીય ફૂટબોલ ફેડરેશનની અંદર કેટલાક પ્રદેશવાદીઓ સામે સંઘર્ષ કરવો પડે છે. ફેડરેશનના સત્તાધિશો ઈચ્છતા હતા કે બંગાળના ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળવી જોઈએ, પરંતુ સૈયદ અબ્દુલ રહીમનો વિચાર અલગ હતો. તે ખરેખર તો પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે. 1952 અને 1956 ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જોકે ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
આ કારણોસર રહીમને કોચ પદ પરથી હટાવવામાં આવે છે. બીજી તરફ, તેને કેન્સર પણ થાય છે, જોકે તેની હિંમત અકબંધ છે. તે ફરીથી ભારતના કોચ બને છે અને એશિયન ગેમ્સમાં ટીમને ચેમ્પિયન બનાવે છે.
અજય દેવગણ તેની આંખોથી અભિનય કરવા માટે જાણીતો છે, આ ફિલ્મમાં પણ તેણે મોટાભાગે તેની આંખોથી અભિનય કર્યો છે. પ્રિયમણીએ તેની પત્નીની ભૂમિકા ભજવી છે. ગજરાજ રાવે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે રોલ ભજવ્યો છે. ‘બધાઈ હો’ જેવી સફળ ફિલ્મ બનાવનાર અમિત શર્માએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મનો સેકન્ડ હાફ, ખાસ કરીને ક્લાઈમેક્સ સીક્વન્સ આકર્ષક છે. આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન જેવા દિગ્ગજે સંગીતકારે આપ્યું છે.
ભારત શરૂઆતના સમયથી ક્રિકેટ અને હોકી માટે જાણીતો દેશ છે, જોકે એક સમય એવો હતો કે, જ્યારે ભારતીય ફૂટબોલને એશિયાનું બ્રાઝિલ કહેવામાં આવતું હતું. એક વ્યક્તિ સૈયદ અબ્દુલ રહીમના કારણે જ આ શક્ય બન્યું હતું. વધુ સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.