ANI_20230802007
બોલીવૂડના યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી હવે તેની સીક્વલ આવી છે. અગાઉની ફિલ્મમાં અભિનેત્રી તરીકે નૂસરત ભરૂચા હતી, હવે આ સીક્વલમાં અનન્યા પાંડે છે. આયુષ્માન ખુરાનાનો એવા કલાકારોમાં સમાવેશ થાય છે જે પોતાના પાત્રને ન્યાય આપવામાં માને છે અને તેને જીવંત કરે છે. 2019માં આવેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં તેણે ફોન પર છોકરીનો અવાજ કાઢીને પુરૂષોને આકર્ષ્યા હતા. હવે ‘ડ્રીમ ગર્લ 2’માં તે પૂજાનું રૂપ ધારણ કરીને આવ્યો છે.
કરમ (આયુષ્માન ખુરાના) જે આ ફિલ્મના પ્રથમભાગમાં રામલીલામાં અભિનય કરતો હતો પરંતુ હવે તે આ સીક્વલમાં માતાજીના જાગરણમાં ભજનો ગાય છે. તેના પિતા જગજીત (અન્નુ કપૂર) હજુ પણ દેવામાં ડૂબેલા છે. કરમ પરી (અનન્યા પાંડે)ને પ્રેમ કરે છે. પ્રેમનો વિલન પરીના પિતા (મનોજ જોષી) છે. તેમની શરત છે કે, કરમના બેંક ખાતામાં 25 લાખ રૂપિયાનું બેલેન્સ, પોતાનું ઘર અને પાકી નોકરી નહીં  હોય ત્યાં સુધી તે પરીના લગ્ન નહીં કરાવે.
કરમનો મિત્ર સ્માઈલી (મનજોત સિંહ) અને તેના પિતા જગજીત તેને સોનાભાઈ (વિજય રાઝ)ના ડાન્સિંગ બારમાં છોકરી બનીને રૂપિયા કમાવવાની તરકીબ અજમાવવા માટે મનાવે કરે છે. પરંતુ રૂપિયાની તંગીનો અંત આવતો નથી અને તેના ચક્કરમાં કરમને પૂજા બનીને અબુ સલીમ (પરેશ રાવલ)ના પુત્ર શાહરૂખ (અભિષેક બેનર્જી) સાથે લગ્ન કરવા પડે છે.
અબુ સલીમના ઘરમાં તેનો સાવકો પુત્ર શૌકિયા (રાજપાલ યાદવ) પણ રહે છે, જે પૂજાના પ્રેમમાં પડી જાય છે. અબુ સલીમની રંગીન મિજાજી બહેન જુમાની (સીમા પાહવા) કરમ સાથે લગ્ન કરવા ઇચ્છે છે. જુમાનીએ સોનાભાઈ સાથે લગ્ન કર્યા હોય છે પરંતુ સોનાભાઈ પૂજાના પ્રેમમાં હોય છે. આ પાત્રો વચ્ચે પૂજા અને કરમને અંગે ગૂંચવણ ઊભી થાય છે, જેનાથી કોમેડી થાય છે. કરમ પૂજાની હકીકત ક્યાં સુધી છુપાવી રાખશે? રૂપિયાની વ્યવસ્થા કરીને તે લગ્ન કરવામાં સફળ થશે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મના દિગ્દર્શક રાજ શાંડિલ્ય છે. કરમ, પૂજા બનીને ચાર-ચાર પુરુષોને પોતાની તરફ આકર્ષે છે તે મુદ્દો જરા અલગ લાગે છે. આ ફિલ્મમાં અન્નુ કપૂર, અસરાની, પરેશ રાવલ, વિજય રાજ, સીમા પાહવા, રાજપાલ યાદવ જેવા હાસ્ય કલાકારો મનોરંજન પીરસે છે.

LEAVE A REPLY