સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર કરણ જોહર આ વખતે આઝાદીના જંગ સાથે જોડાયેલી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનો પ્રથમ લૂક ગત વર્ષે ગોવામાં યોજાયેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર કન્નન ઐય્યરે એવી વાર્તા પર ફિલ્મ બનાવી છે જેના વિશે ઓછા લોકો જાણે છે.
‘એ વતન મેરે વતન’ ફિલ્મમાં 1942ના ભારત છોડો આંદોલનની વાત છે. અંગ્રેજોએ આ આંદોલન દબાવવા માટે ગાંધી અને નહેરુ સહિતના કોંગ્રેસના મોટા નેતોઆને જેલમાં પૂરી દીધા હતા અને સાથે જ કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એવામાં કોંગ્રેસના કાર્યકરો અંડરગ્રાઉન્ડ થઈને આઝાદીની લડાઈ લડી રહ્યા હતા. આ મુશ્કેલ સમયમાં આઝાદીના અવાજને દેશની જનતા સુધી પહોંચાડવાની જવાબદારી કોંગ્રેસની યુવા કાર્યકર્તા ઉષા મહેતા (સારા અલી ખાન) ઉપાડે છે.
અંગ્રેજી શાસનમાં ન્યાયાધિશ જેવા મોટા હોદ્દા પર બેઠેલા હરિમોહન મહેતા (સચિન ખેડેકર) અંગ્રેજોના ગુણગાન ગાતાં થાકતા નહોતા પરંતુ તેમની પુત્રી ઉષા દેશની આઝાદી માટે પોતાનું ઘર પણ છોડી દે છે. જાણીતા સ્વાતંત્ર્ય સેનાની રામમનોહર લોહિયા (ઈમરાન હાશ્મી)ની મદદથી ઉષા અને તેના મિત્રો પોતાના રેડિયો સ્ટેશન- કોંગ્રેસ રેડિયોના માધ્યમથી જેલમાં બંધ નેતાઓના અવાજને દેશભરમાં પહોંચાડે છે. ક્રાંતિકારીઓની આ ઝુંબેશથી અંગ્રેજો નારાજ થઈ જાય છે અને કોઈપણ પ્રકારે આ રેડિયો સ્ટેશનને બંધ કરાવવાનો આદેશ આપે છે.
આજની યુવા પેઢી માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હશે કે આઝાદીના જંગ વખતે રેડિયોએ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1942ના ભારત છોડો આંદોલનના ક્રાંતિકારીઓ અંદરોઅંદર વાત કરે છે કે, 1875ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ અંગ્રેજોનો મુકાબલો કરી શક્યા નહોતો, કારણકે આપણી પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશ પહોંચાડવાના સાધનો નહોતા. જ્યારે અંગ્રેજોની સેના મક્કમતાથી મુકાબલો કરી રહી હતી. એટલે હવે તેઓ આ વાતનું મહત્વ સમજીને રણનીતિ બનાવે છે. હવે આગળની કહાની જાણવા ફિલ્મ જોવી રહી.