કતારમાં અનેક વિવાદો વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2022નો રવિવારથી પ્રારંભ થયો. આ ટુર્નામેન્ટમાં આઠ ગ્રુપમાં મળી કુલ 32 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. દરરોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલ્સ મેચ ૯ ડીસેમ્બરથી, સેમિફાઈનલ્સ ૧૪ ડિસેમ્બરે, ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે રમાશે
વિશ્વભરના ૧૨ લાખથી વધુ ફૂટબોલ ચાહકો આ વર્લ્ડકપ જોવા કતારની મુલાકાત લેશે તેવી ધારણા છે.
ફિફાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત યુરોપની બહાર અને તે પણ એક અખાતી – મુસ્લિમ દેશમાં ફૂટબોલ વિશ્વ કપનું આયોજન કરાયું છે. કતારે સ્પર્ધાના આરંભના ગણતરીના દિવસો પહેલા જ નવા નિયમો લાદી સ્ટેડિયમમાં બીયરના વેચાણ અને પીવા ઉપર પ્રતિબંધ ફરમાવતા ખાસ કરીને વિદેશી ફૂટબોલ ચાહકોને નિરાશ કર્યા હતા. સ્ટેડિયમમાં મેચ જોવા આવતી મહિલા ચાહકો માટે પણ પગ દેખાય નહીં તેવા વસ્ત્રો પહેરીને આવવાનું ફરમાન કરતાં વિદેશી ફૂટબોલ ચાહકો નારાજ થયા હતા.
જો કે, કતારે આશા વ્યક્ત કરી છે કે આ વર્લ્ડ કપ ઘણો જ સફળ રહેશે. તેની ધારણા મુજબ 29 દિવસની ટુર્નામેન્ટમાં એક મિલિયનથી વધારે ફૂટબોલ પ્રેમીઓ દેશની મુલાકાત લેશે.
કતાર જેવા નાના દેશમાં ફક્ત ૬૦ કિલોમીટરના વિસ્તારમાં આઠ સ્ટેડિયમ બંધાયા છે, તો એ સ્ટેડિયમ્સના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે.
કયા ગ્રૂપમાં કઈ ટીમ
ગ્રુપ એ: કતાર, ઈક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ્સ
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઈરાન, અમેરિકા, વેલ્સ
ગ્રુપ સી: આર્જેન્ટિના, સાઉદી અરેબીઆ, મેક્સિકો, પોલેન્ડ
ગ્રુપ ડી: ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટયુનિશીયા
ગ્રુપ ઈ: સ્પેન, કોસ્ટા રીકા, જર્મની, જાપાન
ગ્રુપ એફ: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા
ગ્રુપ જી: બ્રાઝિલ, સર્બિયા, સ્વિત્ઝર્લેન્ડ, કેમરૂન
ગ્રુપ એચ: પોર્ટુગલ, ઘાના, ઉરૂગ્વે, સાઉથ કોરિયા
ઈંગ્લેન્ડનો ઈરાન સામે 6-2થી ધમાકેદાર વિજય
કતારના ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં સોમવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ટુર્નામેન્ટનો વિજયી આરંભ કરતાં ઈરાનને 6-2થી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ વતી બુકાયો સાકાએ બે તથા જુડ બેલિંગહામ, રહીમ સ્ટર્લિંગ, માર્કસ રેશફોર્ડ અને જેક ગ્રીલીશે એક-એક ગોલ કર્યા હતા, તો ઈરાન તરફથી મેહદી તરેમીએ બન્ને ગોલ કર્યા હતા.
કતારનો પ્રથમ મેચમાં પરાજયનો રેકોર્ડ
રવિવારે શાનદાર કાર્યક્રમમાં ફિફા વર્લ્ડ કપ 2022ના ઉદઘાટન પછી પહેલી મેચમાં ઈક્વાડોરે યજમાન કતારને 2-0થી હરાવી દેતાં ફૂટબોલ વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં એક નવો નામોશીજનક રેકોર્ડ સર્જાયો હતો.
અત્યારસુધી ફૂટબોલ વર્લ્ડ કપમાં કોઈ યજમાન ટીમ તેની પહેલી મેચમાં હારી નહોતી. યજમાન ટીમનો મુકાબલો હોવાના કારણે 67 હજારથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં મેચનો આનંદ માણવા આવ્યા હતા, પણ તેમને નિરાશ થવું પડ્યું હતું. જો કે, કતાર યજમાન હોવાના કારણે જ તેની ટીમને આ રીતે વર્લ્ડ કપની ટોપ 32 ટીમ્સમાં સ્થાન મળ્યું હતું, તે આ કસોટીમાંથી પાર ઉતરી શકી નહોતી.