સૌરાષ્ટ્રના જામનગર નજીક આવેલી પાંચ માળની એક ખાનગી હોટલમાં રક્ષાબંધનની મોડી સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. એ સમયે હોટલમાં 27 જેટલા લોકો હતા. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને કાબુમાં લેવા રિલાયન્સ, જીએસએફસી અને જામનગર ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગમાં ફસાયેલા લોકોને બચાવી દીધા હતા. આ આગ શોર્ટ-સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. આ આગમાં સમગ્ર હોટેલ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટના જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા પાસે આવેલી હોટલ એલેન્ટામાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, હોટલમાં કુલ 18 રૂમમાં 27 જેટલા લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરી લેવાયું હતું. જામનગર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી. હોટલમાં કુલ 36 રૂમ છે અને તેમાંથી 18 રૂમમાં લોકો રોકાયેલા હતા. આગ લાગતા ફાયર એલાર્મ વાગ્યું હતું, જેથી બધા લોકો રૂમની બહાર દોડી આવ્યા હતા. બાદમાં એ બધાનું રેસ્ક્યુ કરી લેવાયું હતું.